રૂપિયાની લેતીદેતીના વિવાદમાં રાજકોટના પુનિતનગર પાસે શ્રમિકની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
સાથે રહેતા મિત્રએ જ હુમલો કરી પોલીસને ગેરમાર્ગે દોરવા લૂંટનું નાટક રચ્યું, આરોપી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના વાવડી રોડ પર પુનિતનગર સર્કલ પાસે વહેલી સવારે થયેલી શ્રમિકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ખોટી વાર્તા રચી પોલીસને ગેરમાર્ગે દોરનાર સંતોષ જમાર નામનો યુવાન જ અસલી હત્યારો હોવાનું સામે આવ્યું છે, જેણે માત્ર ₹7000 અને મોબાઈલ ફોનની લેતીદેતીના વિવાદમાં પોતાના જ મિત્રની છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.
રાજકોટ અઈઙ બી.જે.ચૌધરીના જણાવ્યા અનુસાર, 29 એપ્રિલના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે હત્યાની જાણ થઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે મૃતક 32 વર્ષીય દિનેશ શંકર જમાર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. જ્યારે આરોપી 21 વર્ષીય સંતોષ જમાર પણ ઉત્તર પ્રદેશનો રહેવીસી છે. બંને મિત્રો હતા, એક જ મકાનમાં ભાડે રહેતા હતા અને અલગ-અલગ કારખાનામાં મજૂરી કરતા હતા. હત્યાનું મુખ્ય કારણ આર્થિક વ્યવહાર અને મોબાઈલ ફોનનો વિવાદ હતો.
સંતોષે દિનેશને ₹7000 અને એક મોબાઈલ ફોન આપ્યો હતો, જે દિનેશ પરત આપતો ન હતો. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. શરૂઆતમાં દિનેશે સંતોષ પર હુમલો કર્યો હતો, પરંતુ સંતોષે તેના હાથમાંથી છરી ઝૂંટવી લઈ વળતો હુમલો કરતા દિનેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસની પકડમાંથી બચવા માટે ઇજાગ્રસ્ત સંતોષે બનાવટી વાર્તા ઘડી કાઢી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી તેમના પર હુમલો કર્યો હતો. જોકે, પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેની વાર્તામાં વિસંગતતાઓ જણાઈ હતી અને આખરે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપી સંતોષ જમાર હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.



