જગદીશ આચાર્ય
વહેંચો વહેંચો અફવાઓ અનેજુઠાણા વહેંચો,ડર વહેંચો,મોકળું મેદાન છે, ઠપકારો તમતમારે
સોસીયલ મીડિયા પર હમણાં એક સર્વજ્ઞાતા દિવ્ય પુરુષની 20 મિનિટની ઓડિયો કલીપ અને બીજા એક મહાજ્ઞાની પુરુષની વિડીયો કલીપ ધડાધડ વાયરલ થઈ રહી છે. નવરી પ્રજા પાસે કાંઈ કામકાજ તો છે નહીં એટલે બધા આખેઆખી સાંભળે છે,આખેઆખી જોવે છે.અને તે પછી અન્યોના લાભાર્થે ઉત્સાહભેર શેર કરી દે છે. તેની ઉપર પાછી ચર્ચા પણ થાય છે,”જોયું?શુ ચાલી રહ્યું છે,કેવા કારસા છે,કેવું ષડયંત્ર છે?.આપણને અત્યાર સુધી શું ખબર હતી કે કોરોનાના નામે મૂળ તો આપણને એકહારે ગુજરાવી દેવાનો આ કાર્યક્રમ છે?સારું થયું ભાઈ, તમે આ વાયરલ કર્યું.નહિતર અમે તો સાવ અંધારામાં જ રહી જાત ને.અમને ગુજરી જતાં તમે બચાવી લીધા.લ્યો!ત્યારે હું ય મોકલી દઉં આગળ.આપણી ફરજ છે ને ભાઈ..”
- Advertisement -
આભાર વીરા આભાર.ભગવાન તમારું ભલું કરે.તમારા છોકરા છેયાને સલામત રાખે.તમારા જેવા ન હોત તો ધન્ય ધરણી દેશ ભારતનું થાત શુ?
હવે મૂળ વાત પર આવીએ. ઓડિયો ક્લિપમાં 20-20 મિનીટ સુધી જ્ઞાન વહેંચનાર તજજ્ઞ એકાદ આધ્યાત્મિક કે સામાજિક સંગઠનના માનવંતા સભ્ય હશે એવી છાપ ઉભી થાય છે.તેમના સામે છેડે અભૂતપૂર્વ સહનશક્તિ ધરાવતા સજ્જન એ સંગઠનના સર્વોચ્ચ વડા દીદી સાથે સીધા સંપર્કમાં હશે એવું લાગે છે.તજજ્ઞ ભાઈ આમ તો કાપડનો ધંધો કરે છે.પણ એ તો એમનું બહાર દેખાતું એક સૂક્ષ્મ રૂપ માત્ર છે. અસ્સલમાં તો તેઓ ઇતિહાસ,ભૂગોળ, અર્થશાસ્ત્ર, જીવ શાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, ગણિત, સાયકોલોજી, આંતરરાષ્ટ્રીય રાજકારણ વગેરેના પણ જબરદસ્ત નિષ્ણાંત છે.ઓલ ઇન વન.એટલું જ નહીંઆ મહાપુરૂષ અવવલ કક્ષાના જાસૂસ પણ છે.જેમ્સ બોન્ડ અને આપણા અજીત દોભાલ બોભાલ તો તેમની પાસે પાણી ભરે..છેલ્લા સો વર્ષ દરમિયાન અનેક દેશના પ્રમુખો,વડાપ્રધાનો અને અન્ય નેતાઓની થયેલી હત્યાઓ પાછળનો ભેદ આ ભાઈ પાસે છે.વિશ્વ યુધ્ધો શું કામ થયા હતા એના સાચા કારણો તેમને મોઢે છે.મનમોહન અને મોદી આપણા મતને કારણે નહીં પણ દૂર બેઠા બેઠા પોતાની આંગળીને ટેરવે દુનિયાને નચાવતા કેટલાક દુષ્ટ મુઠ્ઠીભર લોકોને કારણે ભારતના વડાપ્રધાન બન્યા છે એ રહસ્યની પણ આ દિવ્ય આત્મા પાસે સચોટ જાણકારી છે.તમનેતો ક્યાંથી ખબર હોય કે મોદી સરકાર પોલીસખાતાનું પણ નિજીકરણ કરી રહી છે.તમે તો ઠીક,ખુદ સરકારને પણ એ ખબર નથી. પણ એક પોલીસ ઇન્સ્પેક્ટરે આ અંગેનો પરિપત્ર પણ આ ભાઈને આપી દીધો છે. સહુથી મોટી વાત તો એ છે કે કોરોનાની વેકસીન કઇ રીતે બની, કઈ રીતે બનાવી શકાય અને એમાં કયો માલસામાન ઉપયોગમાં લેવાયો છે એ બધું પણ તેઓ જાણે છે.બધા રિપોર્ટ્સ એમના ખિસ્સામાં છે.
એ ઓડિયો કલીપ અને બીજી વિડીયો કલીપ બન્નેમાં એક સરખો સંદેશો છે કે,હે!ભારતવર્ષના નર નારીઓ,ભાઈ બહેનો,કોરોના જેવું કંઈ છે જ નહીં.આ તો ધતિંગ છે.કોરોનાના નામે આપણને પતાવી દેવાનું આ ષડયંત્ર છે.આ ષડયંત્રની શરૂઆત ક્યાંથી થઈ એનો ઇતિહાસ પણ આ બન્ને મહાનુભાવો ખૂબ ગંભીરતાથી આપતા જણાવે છે કે 40 વર્ષ પહેલાં ન્યુ વર્લ્ડ ઓર્ડર નામે એક મુવમેન્ટ શરૂ કરવામાં આવી હતી.સો દોઢસો લોકો તેમાં સંકળાયેલા છે.વિશ્વના અબજોપતિઓએ એક દિવસ એવું નક્કી કર્યું કે વિશ્વની વસ્તી બહુ વધી ગઈ છે.આપણે હરવા ફરવાની જગ્યા રહી નથી.તો આપણે એક કામ કરીએ કે અત્યારે 750 કરોડની વસ્તી છે તે ઘટાડીને 50 કરોડની કરી દઈએ.પછી તો એ લોકોએ કમર કસી.બધા વળગ્યા કામે.વસ્તી ઘટાડા ઓપરેશનને નામ આપ્યું “એજન્ડા 2021”.પણ સવાલ એ હતો કે 700 કરોડ લોકોને સાગમટે પૃથ્વી ઉપરથી વિદાય આપવી કઈ રીતે? પણ એમ મૂંઝાય એ બીજા.તો કહે કે વાયરસ ફેલાવો.મહામારી મહામારી કરો.મીડિયા તો વેચાઉ છે જ.એના મારફત ભય ફેલાવો.લોકોને કહો કે ખબરદાર!ઘરની બહાર નીકળ્યા છો તો ગુજરી જશો. આ ભયના નામે લોકડાઉન કરાવો. લોકડાઉન કરાવીને ધંધા રોજગાર બંધ કરાવી દયો.લોકોના અર્થતંત્ર ઉપર કબજો મેળવી લ્યો.લોકોને ગુલામ બનાવી દયો…અને અસ્સલ મુદ્દો તો હવે આવે છે.જરા દિલ પે હાથ રખના,ભાઈઓ ઔર બહનો ધડકને સમહાલના,ક્યાંક હાર્ટ એટેક ન આવી જાય.આ બંધુઓનું કહેવું એમ છે કે કોરોનાનો ભય ફેલાવ્યાં પછી સરકાર સમય પાકયે કોરોનાની વેકસીન શોધી કાઢશે.ભયભીત થયેલા પામર લોકો એ વેકસીન લેશે.અને એ વેકસીન એવી હશે કે તેની સાઈડ ઇફેક્ટસ ને કારણે બે વર્ષ પછી લોકો ટપોટપ ટપોટપ મરવા લાગશે.અને.. 700 માનવજીવોને પરલોકમાં મોકલી આપવાનો આ ટારગેટ પૂરો થયે દુનિયાની વસ્તી 50 કરોડની જ રહી જાશે.ભારતમાં માત્ર 5000 કરોડપતિઓ બચશે.એમની યાદી તૈયાર થઈ ગઈ છે અને આ ભાઈ પાસે આવી પણ ગઈ છે.(આપણે કોઈ એ યાદીમાં નથી એ સહેજ તમારી જાણ ખાતર.)
- Advertisement -
બોલો!આવા નમૂનાઓ છે એ દેશમાં.એક તરફ એમ કહે છે કે એક મહાષડ્યંત્રના ભાગ રૂપે દુનિયા આખીની સરકારોએ ઇરાદાપૂર્વક કોરોના ફેલાવી ખોટો ભય ઉભો કર્યો છે.અને બીજી તરફ આ ભાઈઓ પોતે જ કોરોનાની વેકસીન લેવાથી બે વર્ષ પછી ગુજરી જશો એવો ભય ફેલાવે છે.માસ્ક પહેરવાથી ન્યુમોનિયા થઈ જશે એવી ચેતવણી આપે છે.સોસીયલ ડિસ્ટનસની કાંઈ જરૂર જ નથી એવી શિખામણ આપે છે.કોરોનાનો મૃત્યુ દર ખૂબ ઓછો છે એ વાત સાચી પણ એ જોખમી એટલા માટે છે કે એ ખૂબ ચેપી છે.વળી તેની કોઈ સ્પેસિફિક દવા નથી.કોઈને કોરોના થયો હોય અને તે કોરોન્ટાઇન ન થાય તો તે ઘરના બીજા સભ્યો અને તે ઉપરાંત બીજા અનેક લોકોને ચેપ લગાડે.એવું ન થાય એટલે લોકડાઉન કરવું પડ્યું.અનલોક થયા પછી કેસ વધે છે એનું આ જ કારણ છે.લોકડાઉન આપણાં ધંધા રોજગાર બંધ કરાવી આપણને ગરીબ ભૂખડ બનાવી દેવા માટે નહોતું.પણ આવી મૂર્ખાઈ ભરેલી ઓડિયો અને વીડિયો કલીપો બને છે અને એટલું જ નહીં દેશ આખામાં વાયરલ થાય છે.છેલ્લા અઠવાડિયામાં ભાગ્યે જ કોઈ મોબાઈલ ફોન એવો હશે જેમાં આ બે કલીપ ન ટપકી હોય.એ ક્લિપ્સ એટલા માટે આટલી બધી વાયરલ થઈ કારણકે સમાજનો એક વર્ગ આ બધું સાચું માની રહ્યો છે.આ ક્લિપમાં બોલનારાઓ કોણ છે,એમની હેસિયત કેટલી છે અને એ જે કહે છે એને સાચું શું કામ માની લેવું એવો વિચાર પણ કોઈને નથી આવતો.ચિંતાની વાત એ છે કે વિચારવાનું ભૂલી ગયેલા લોકોની સંખ્યા નાની સુની નથી.નહીંતર આવી કલીપો આ હદે વાયરલ ન થાય.
મૂર્ખાઈની કોઈ હદ પણ હોય છે એવું માનવું એ પણ મૂર્ખાઈ છે.લોકોએ મગજને તાળા મારી દીધા છે.દેશમાં આવા બુદ્ધિના બળદિયાઓ હોય ત્યાં સુધી અફવાઓ અને જુઠાણા ફેલાવનારાઓના,અપપ્રચાર કરનારાઓના રાજ તપતા રહેશે. આવા અબુઘોને કારણે આજે આવા તત્વો અને લુચ્ચા રાજકારણીઓ મીડિયા અને સોસીયલ મીડિયાના માધ્યમો દ્વારા પોતાના રોટલા શેકી રહ્યા છે.પોતાના એજન્ડા આપણી ઉપર લાદી રહ્યા છે અને લાખો લોકો ખૂબ આસાનીથી ગેરમાર્ગે દોરવાઈ જાય છે.વિચારવાનું ફરીથી ચાલુ કરી દેવું જોઈએ એવું વિચારવાનો સમય હવે પાકી ગયો છે એમ નથી લાગતું?