એપલની આગામી ફ્લેગશિપ સિરીઝ આઇફોન 18ને લઈને નવી લીક્સ બહાર આવી છે. આ લીક્સ મુજબ કંપની 2026ના સપ્ટેમ્બરમાં આઇફોન 18 સિરીઝ લોન્ચ કરશે એની કિંમત બહાર આવી છે. સૌથી મોટી ચર્ચા તેની કિંમતને લઈને છે કારણ કે એનાલિસ્ટ્સનું માનવું છે કે એપલ કદાચ આઇફોન 17 જેટલી જ કિંમત રાખશે અથવા થોડો ઘણો એમાં વધારો પણ કરી શકે છે.
કિંમતમાં મોટો ફેરફાર નહીં
- Advertisement -
આઇફોન 17 સિરીઝ 2025માં લોન્ચ થઈ હતી અને તેમાં Pro મોડલ્સની કિંમતમાં થોડો વધારો જોવા મળ્યો હતો. હવે આઇફોન 18 માટે એવી અટકળો છે કે એપલ કિંમતો સ્થિર રાખવા પ્રયત્ન કરશે. જો વધારો થાય તો પણ તે આઇફોન 17ની નજીક જ રહેશે. કમ્પોનેન્ટ્સની વધતી કિંમત ખાસ કરીને ડિસ્પ્લે અને ચિપસેટ એપલને થોડો ફેરફાર કરવા મજબૂર કરી શકે છે. હાલમાં ઘણી કંપનીઓએ ચિપસેટની કિંમત વધારી દીધી છે. આથી એપલ દ્વારા પણ કિંમત વધારવામાં આવી શકે છે. જો એપલ કિંમત સરખી રાખે તો બેસિક મોડલની કિંમત 82,900થી શરૂ થશે. જોકે આ કિંમતમાં ચારથી પાંચ હજાર રૂપિયાનો વધારો થઈ શકે એવી પણ ચર્ચા છે. આથી આ તફાવત દરેક મોડલમાં જોવા મળી શકે છે.
નવા ફીચર્સ અને ડિઝાઇન
લીક્સ મુજબ આઇફોન 18 Pro મોડલ્સમાં નવી રિયર પેનલ ડિઝાઇન જોવા મળશે. એટલે કે કેમેરાની ડિઝાઇન બદલવામાં આવે એવા અણસાર છે. સાથે જ ત્રણ નવા કલર વિકલ્પ રજૂ થવાની શક્યતા છે. એમાં 3nm ચિપસેટ, વધુ સ્માર્ટ AI ઇન્ટિગ્રેશન અને બેટરી ઑપ્ટિમાઇઝેશન જેવા સુધારા કરવામાં આવશે. કેમેરામાં પણ વધુ સેન્સર્સનો ઉમેરો કરવામાં આવી શકે છે. Pro મોડલ્સમાં કેમેરા 200 મેગાપિક્સલનો કરવામાં આવે એવી ચર્ચા છે. આ સાથે જ નાઇટ ફોટોગ્રાફી અને વીડિયો સ્ટેબિલાઇઝેશન માટે પણ ઘણાં સુધારા કરવામાં આવશે.
- Advertisement -
કેમ મહત્ત્વનું છે?
ભારતમાં આઇફોન યુઝર્સ માટે કિંમત હંમેશા ચર્ચાનો વિષય રહી છે. જો એપલ આઇફોન 18ને આઇફોન 17 જેવી જ કિંમતમાં રજૂ કરે તો તે ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થશે. બીજી તરફ, નવા ડિઝાઇન અને AI આધારિત ફીચર્સ તેને વધુ આકર્ષક બનાવશે. એપલ આ માટે હવે ગૂગલ જેમિનીનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે એવું પણ બની શકે કે નવા આઇફોન સાથે પોતાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ રજૂ કરે.




