કોંગ્રેસે મતદાર યાદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે કલેક્ટર કચેરી ગજવી
કલેક્ટર સહિતનાએ બંધારણ ઉપર તરાપ મારી, ધરણાંથી નહીં જાગે તો ઓફિસમાં બેસવા નહીં દેવાય : રાજદીપસિંહ જાડેજા
- Advertisement -
શ્રી રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન, કલેક્ટર કો સદબુદ્ધિ દે ભગવાનની ધૂન બોલાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ભાજપ સરકાર અને વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમય બાદ કોંગ્રેસના તમામ અગ્રણીઓ એકમંચ પર જોવા મળ્યા હતા અને મતદાર યાદીમાં સુધારણાના નામે સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવતી કથિત ગેરરીતિઓ સામે ભારે સુત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન યોજ્યા હતા. એક તરફ કલેક્ટર કચેરીમાં અધિકારીઓની મહત્વની બેઠક ચાલી રહી હતી, બીજી તરફ કોંગ્રેસે “ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી” અને “મતદારોને ન્યાય આપો” ના નારા લગાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ ભાજપ સરકાર અને કલેક્ટરને ’સદબુદ્ધિ’ મળે તે માટે કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન પણ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ કલેક્ટર કચેરી બહાર થયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા, જેમણે ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તકે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે જોવાનું એ છે કે વહીવટી તંત્ર આ રજૂઆત બાદ કેવા પગલાં ભરે છે.
રાજદીપસિંહ જાડેજાએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, સરકારી તંત્ર, કલેક્ટર અને એઆરઓએ ભાજપના ઈશારે બંધારણ પર તરાપ મારવાનું કામ કર્યું છે. જે રીતે બલ્કમાં ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે તે લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવાનું કાવતરું છે. જે લોકોએ વાંધો લીધો છે, તેમને કોઈ ઓળખતું નથી. અનેક કિસ્સામાં તો જેમના નામે વાંધો ઉઠાવાયો છે તેમને ખબર પણ નથી કે તેમના નામે આવા ફોર્મ ભરાયા છે. ત્યારે અમે જે દિવસોમાં વધુ ફોર્મ આવ્યા છે તેના સીસીટીવીની માંગ કરી છે. જો કલેક્ટર તંત્ર અત્યારે નહીં જાગે અને આ ગેરકાયદેસર પ્રક્રિયાને બ્રેક નહીં મારે, તો આવનારા દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો અધિકારીઓને તેમની ઓફિસમાં બેસવા પણ નહીં દે.
- Advertisement -
ગેરકાયદે ભરાયેલા ફોર્મ રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે : રાજદીપસિંહ જાડેજા
લોકોમાં આ અંગે ભારે જાગૃતિ આવી રહી છે અને મત અધિકાર છીનવવાનું પાપ કરનાર તંત્ર સામે કોંગ્રેસ લાલ આંખ કરશે. જો આ ગેરકાયદેસર રીતે ભરાયેલા ફોર્મ રદ કરવામાં નહીં આવે અને સાચા મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ થશે, તો આગામી દિવસોમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત, નામદાર હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. રાજદીપસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું કે, દૂધનું દૂધ અને પાણીનું પાણી ત્યારે જ થશે જ્યારે વાંધો લેનાર સામે તપાસ થશે.
ભાજપનું મુખ્ય લક્ષ્ય ગમે તે ભોગે સત્તા હાંસલ કરવાનું : ગાયત્રીબા વાઘેલા
કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ આ તકે જણાવ્યું હતું કે, ભાજપનું મુખ્ય લક્ષ્ય ગમે તે ભોગે સત્તા હાંસલ કરવાનું છે અને તે માટે તેઓએ મતદાર યાદીમાં અનેક ગેરરીતિઓ આચરી છે. રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ચળવળ અંતર્ગત જઈંછની કામગીરીમાં લાખો લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે. મતદાર યાદી સુધારણા માટેના ફોર્મ નંબર 6, 7 અને 8ની પ્રક્રિયામાં પણ ભારે ગોટાળા જોવા મળી રહ્યા છે. વાંધા અરજી લીધા વગર નામો કમી કરી દેવાનું કાવતરું ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓ ની મિલીભગતથી ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે લોકોનો બંધારણીય મતાધિકાર ન છીનવાય અને સાચા મતદારોના નામ યાદીમાંથી કમી ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
છેલ્લાં દિવસોમાં ફોર્મ-7ની બલ્ક સબમિશન પર કોંગ્રેસનો ગંભીર આરોપ
આ વિવાદના કેન્દ્રમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત ભરાયેલા ફોર્મ નં. 7 છે. કોંગ્રેસનો આરોપ છે કે 19-12-2025 ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદાર યાદી બાદ, વાંધા અને નામ કમી કરવા માટે છેલ્લી તારીખ 18-01-2026 હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે 16થી 18 જાન્યુઆરી એમ માત્ર 3 દિવસમાં જ હજારોની સંખ્યામાં ફોર્મ નં. 7 (નામ કમી કરવા માટેના વાંધા ફોર્મ) રજૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે એઆરઓ (અછઘ) કચેરીઓમાં એકસાથે 500, 1000 કે 2000 થી લઈને 10,000 જેટલા ફોર્મ બલ્કમાં અપલોડ કરવામાં આવ્યા છે. જેના પાછળ સત્તાધારી પક્ષનો સુનિયોજિત બદઇરાદો હોવાનું કોંગ્રેસ માની રહી છે.



