વિસ્તરતું રાજકોટ અને વધતી વસ્તી : 15 વર્ષ બાદ ગણતરી
એપ્રિલના બીજા સપ્તાહથી વસ્તી ગણતરી શરૂ થશે જે સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે
- Advertisement -
પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ’ એટલે કે મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે
મોટામવા, મુંજકા, માધાપર જેવા નવા વિસ્તારોનો પ્રથમવાર સમાવેશ થશે
161 ચોરસ કિમીમાં ફેલાયેલા રાજકોટની વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી એપ્રિલ માસના બીજા સપ્તાહથી શહેરના તમામ 18 વોર્ડમાં વસ્તી ગણતરીની વિશાળ કામગીરી શરૂ કરવામાં આવશે. વર્ષ 2011 બાદ પ્રથમ વખત યોજાનારી આ ગણતરી માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરાઈ છે અને સંબંધિત સ્ટાફને તાલીમ આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના ભૌગોલિક વિસ્તારમાં થયેલા નોંધપાત્ર વિસ્તરણને કારણે આ વખતની ગણતરીમાં રાજકોટની કુલ વસ્તી 20 લાખને પાર કરી શકે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચૂંટણી શાખાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા મુજબ, અગાઉ 2020માં વસ્તી ગણતરી કરવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તે પ્રક્રિયા સ્થગિત રહી હતી. હવે સરકારના નિર્ણય અનુસાર આ વસ્તી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કો એપ્રિલ 2026થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે, જેમાં ‘હાઉસ લિસ્ટિંગ’ અંતર્ગત મકાનોની યાદી, વિસ્તાર અને વોર્ડના નકશા તૈયાર કરી ઘરદીઠ પ્રાથમિક વિગતો એકત્રિત કરાશે.
હાઉસ લિસ્ટિંગ પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં ‘પોપ્યુલેશન એન્યુમરેશન’ એટલે કે વાસ્તવિક વસ્તી ગણતરી હાથ ધરાશે. તેમાં ઘર નંબરના આધારે દરેક વ્યક્તિની વિગતવાર માહિતી, નવા જન્મ અને મૃત્યુની નોંધ લેવામાં આવશે. અંતિમ ચરણમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં રખડતા-ભટકતા તથા ઘરવિહોણા લોકોની ગણતરી પણ કરવામાં આવશે, જેથી શહેરની વસ્તીનો ચોક્કસ આંકડો સામે આવી શકે.
આ વિશાળ કામગીરી માટે અંદાજે 4000 જેટલા કર્મચારીઓની જરૂર પડશે. મહાનગરપાલિકા પાસે હાલ લગભગ 4500 સ્ટાફ ઉપલબ્ધ હોવા છતાં, માત્ર મનપાના કર્મચારીઓથી કામગીરી પૂર્ણ કરવી શક્ય નહીં હોવાથી કલેક્ટર મારફતે અન્ય સરકારી સંસ્થાઓની મદદ લેવામાં આવશે. તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનપા સંચાલિત તથા ગ્રાન્ટેડ શાળાઓ, વિવિધ સરકારી બેંકો અને કલેક્ટર તંત્રના કર્મચારીઓનો સમાવેશ થશે.
ઉલ્લેખનીય છે કે 2011ની છેલ્લી ગણતરીમાં રૈયા, નાનામૌવા અને મવડી જેવા વિસ્તારોનો જ સમાવેશ હતો, જ્યારે આ વખતે મોટામૌવા, મુંજકા, માધાપર સહિત નવા જોડાયેલા વિસ્તારો પ્રથમવાર ગણતરીમાં આવશે. કુલ 161 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા રાજકોટ શહેરમાં 2026-27 દરમિયાન થનારી આ વસ્તી ગણતરીથી દાયકાના બદલે 15 વર્ષના અંતરાલ બાદ વસ્તીનો આંકડો 20 લાખને પાર કરી શકે છે.
રાજકોટનો વધતો જતો વિસ્તાર અને વસ્તીનો ઇતિહાસ
રાજકોટ શહેરના ભૌગોલિક નકશામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ફેરફાર થયા છે. વર્ષ 1998માં રૈયા, નાનામૌવા અને મવડી જેવા વિસ્તારો ભળતા શહેરનો કુલ વિસ્તાર 104.86 ચોરસ કિમી થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2015માં કોઠારીયા અને વાવડીનો સમાવેશ થતા તે વધીને 129.21 ચોરસ કિમી થયો હતો. છેલ્લે જૂન 2020માં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-1 જેવા વિસ્તારો ભળ્યા બાદ હાલ રાજકોટ શહેરનો કુલ વિસ્તાર 161.86 ચોરસ કિમી પર પહોંચ્યો છે.
40 વર્ષમાં વસ્તી 4.44 લાખથી 13 લાખ પહોંચી
1981: 4.44 લાખ
1991: 5.50 લાખ
2001: 10.00 લાખ
2011: 13.46 લાખ



