પદથી નહીં, પરિશ્રમથી ઓળખ મેળવનાર સ્વ. જયંતભાઈ ઠાકરને સાચા અર્થમાં સન્માન મળ્યું
નગરસેવક ન બની શક્યા, પરંતુ નિ:સ્વાર્થ સેવાના કારણે લોકસેવક તરીકેની છાપ છોડીને ગયા…
- Advertisement -
આ ચોકનું નામકરણ આવનારી પેઢીને લોકસેવાના સાચા મૂલ્યોની પ્રેરણા આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર ફાયર બ્રિગેડ નજીક આવેલા હુડકો ચોકનું ‘જયંતભાઈ ઠાકર ચોક’ તરીકે સત્તાવાર નામકરણ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી સમગ્ર બ્રહ્મ સમાજ સહિત વિસ્તારના નાગરિકોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. વર્ષો સુધી જાહેર જીવનમાં સક્રિય રહીને નિ:સ્વાર્થ સેવા દ્વારા પોતાની અલગ ઓળખ બનાવનાર જયંતભાઈ ઠાકર ભલે નગરસેવક ન બની શક્યા હોય, પરંતુ તેઓ હંમેશા ખરા અર્થમાં લોકસેવક તરીકે ઓળખાયા છે.
જયંતભાઈ ઠાકરે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે મહત્વપૂર્ણ અને સેવાભાવી કામગીરી બજાવી હતી. ખાસ કરીને કોરોના મહામારીના કપરા સમયમાં પોતાની પરવા કર્યા વિના સતત ખડેપગે રહી દર્દીઓ અને તેમના સ્વજનોની સેવા કરીને તેમણે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોઠારીયા વિસ્તારના નાગરિક પ્રશ્નો માટે તેઓ હંમેશા અગ્રેસર રહ્યા અને હુડકો વિકાસ સમિતિની રચનામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાજકીય ક્ષેત્રે પણ જયંતભાઈ ઠાકરનો પ્રવાસ લાંબો અને સ્વચ્છ રહ્યો છે. રાજકોટના રાજા મનોહરસિંહ જાડેજાથી લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સાથે તેમણે નજીકથી કામ કર્યું હતું. સ્વચ્છ પ્રતિભા, નીડરતા, નિખાલસતા અને જાહેર જીવનમાં લાંબા સમય સુધી રહેવાં છતાં અડગ પ્રમાણિકતા આ ગુણોએ તેમના વ્યક્તિત્વને વિશેષ બનાવ્યું છે. અન્યાય સામે તેઓ હંમેશા બુલંદ અને દ્રઢ અવાજે પોતાની વાત રજૂ કરતા રહ્યા હતા.
સંગઠનાત્મક જવાબદારીઓમાં પણ તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજકોટ શહેર ભાજપ મીડિયા વિભાગમાં સહ-મીડિયા ઇન્ચાર્જ, રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપ કાર્યાલય મંત્રી તેમજ પ્રદેશ ભાજપ મીડિયા કારોબારી સભ્ય તરીકે તેમણે જવાબદારીપૂર્વક કામગીરી સંભાળી હતી. ઉપરાંત પરશુરામ જન્મ જયંતી મહોત્સવના આયોજનમાં પણ તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે.
ફાયર બ્રિગેડ વાળા હુડકો ચોકનું ‘જયંતભાઈ ઠાકર ચોક’ તરીકે નામકરણ થવું માત્ર એક નામફલક નથી, પરંતુ લોકસેવા, પ્રમાણિકતા અને નિ:સ્વાર્થ કાર્યની જાહેર સ્વીકૃતિ છે. આ નામકરણ બદલ રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તથા કોર્પોરેટર સુરેશ વસોયા પ્રત્યે જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ તકે હરેશભાઈ જોષી અને સીટી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ નામકરણ આવનારી પેઢીને લોકસેવાના સાચા મૂલ્યોની પ્રેરણા આપશે અને ‘જયંતભાઈ ઠાકર ચોક’ હંમેશા સેવા, સાહસ અને સચ્ચાઈનું પ્રતીક બની રહેશે.



