રાજકોટ મનપાનું સંભવત: અંતિમ જનરલ બોર્ડ વિપક્ષના વિરોધ વિના પૂર્ણ
કોર્પોરેટર દક્ષાબેન વસાણીના પ્રથમ પ્રશ્ર્નમાં જ બોર્ડ પૂર્ણ
- Advertisement -
મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ અમૃત યોજના હેઠળની ગ્રાન્ટની માહિતી આપી કે, કુલ ₹247 કરોડના ખર્ચે 31 જેટલા વિકાસકામો પૂર્ણ થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે કોઈ ખાસ હંગામા કે વિપક્ષના મોટા વિરોધ વગર પૂર્ણ થયું હતું. આ બોર્ડમાં અમૃત યોજના હેઠળ થયેલા કરોડોના વિકાસકામોની ચર્ચા મુખ્ય રહી હતી. જોકે, બેઠક દરમિયાન વિપક્ષી નેતા અને સત્તાધારી પક્ષના સભ્યો વચ્ચે હળવી બોલાચાલી અને ટોકવા-રોકવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
બોર્ડની કાર્યવાહી શરૂ થયાના આશરે પોણી કલાક બાદ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા વિરોધ કરવા માટે ઊભા થયા હતા, પરંતુ શાસક પક્ષના વિનુભાઈએ તેમને અટકાવીને બેસાડી દીધા હતા. બાદમાં જ્યારે વિનુભાઈ ઘવા પોતે બોલવા માટે ઊભા થયા, ત્યારે વશરામભાઈએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, “જ્યારે હું બોલવા ઊભો થાઉં છું ત્યારે મને અટકાવવામાં આવે છે, પરંતુ જ્યારે વિનુભાઈ બોલે છે ત્યારે દક્ષાબેન વસાણી કેમ તેમને અટકાવતા નથી?” આ શાબ્દિક ટપાટપીએ થોડીવાર માટે બોર્ડમાં ગરમાવો લાવી દીધો હતો. આશ્ચર્યજનક રીતે, વોર્ડ નંબર-9ના કોર્પોરેટર દક્ષાબેન વસાણી દ્વારા અમૃત યોજનાને લઈને પૂછવામાં આવેલા માત્ર એક જ પ્રશ્નની ચર્ચામાં સમગ્ર બોર્ડની કાર્યવાહી પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી. આ પ્રશ્ન અંતર્ગત શહેરમાં થયેલા પાણી અને ગટરના કામોની વિગતો રજૂ કરવામાં આવી હતી.બોર્ડમાં રજૂ થયેલી વિગતો મુજબ, અમૃત યોજના હેઠળ રાજકોટમાં કુલ ₹247 કરોડના ખર્ચે 31 જેટલા વિકાસકામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે: શહેરના તમામ 18 વોર્ડમાં શુદ્ધ પીવાના પાણી માટે ઉઈં પાઈપલાઈનનું નેટવર્ક પૂર્ણ થયું છે. શહેરમાં આધુનિક ભૂગર્ભ ગટર યોજનાનું અમલીકરણ કરાયું છે. વિવિધ વિસ્તારોમાં નવા રોડ-રસ્તાના નિર્માણ અને રિપેરિંગના કામો થયા છે.



