વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ સોમનાથથી સ્વાભિમાન પર્વનો શુભારંભ કર્યો તે જોઈને મારાં મનમાં મિશ્ર ભાવો જન્મ્યાં. આજથી 1000 વર્ષ પહેલાં લગભગ 2500 કિલોમીટરનું અંતર કાપીને ધર્મ ઝનૂની, શૈતાની દિમાગ ધરાવતો, જાહિલ, ગમાર, અસંસ્કારી, મહેમુદ ગઝનવી વિશાળ સૈન્ય લઈને સોમનાથ ભગવાનના મંદિર પર ચડી આવ્યો. ભવ્ય મંદિરને ધ્વસ્ત કર્યું. સોમનાથનું જ્યોતિર્લિંગ તોડીને, એના ચાર કકડા કરીને, અબજો રૂપિયાનું ધન લૂંટીને રવાના થઈ ગયો. તેની સાથે આવેલા ઇતિહાસકારો અલ બૈરુની અને કુતબી દ્વારા લખાયેલા ગ્રંથોમાંથી તે સમયની ઘટનાઓનું વિવરણ વાંચવા મળે છે. આપણે જેને સોમ અર્થાત્ ચંદ્રમા દ્વારા સ્થાપિત જ્યોતિર્લિંગ માનીને પૂજતા રહ્યા તે શિવલિંગનું આપણે રક્ષણ કરી શક્યા નહીં. મસ્જિદના દાદર પર જડાયેલા શિવલિંગના એક ભાગ પર પગ મૂકીને વીતેલા એક હજાર વર્ષોમાં કરોડો વિધર્મીઓ પસાર થઈ ગયા. આપણી લાગણીને દુ:ખ અને આઘાત પહોંચતા રહ્યા. દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી મેં માત્ર એક જ જ્યોતિર્લિંગના દર્શન કર્યાં છે અને તે છે ભગવાન સોમનાથ. ત્રણ મહિના માટે મેં વેરાવળની હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી હતી ત્યારે અનેક વાર સોમનાથના દર્શન કરવા ગયો હોઈશ. એક વાતની નિખાલસ કબૂલાત કરું છું કે જ્યારે-જ્યારે ભગવાન સોમનાથના દર્શન કરવા માટે બે હાથ જોડીને ઊભો રહ્યો છું ત્યારે-ત્યારે મારા મનમાં મૂળ જ્યોતિર્લિંગ ઉપર ઓજાર વીંધતો મહેમુદ ગઝનવી તાદૃશ્ય થયો છે. મારા મનમાં દરેક પ્રસંગે એ વિચાર ઉઠ્યો છે કે હું જેના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી રહ્યો છું તે શિવલિંગ તો માનવ રચિત છે. આ ઑરિજનલ જ્યોતિર્લિંગ નથી. એક મ્લેચ્છ યવન આવીને આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન શિવલિંગના કકડા કરી ગયો ત્યારે ભગવાન શંકર એને બચાવવા માટે કેમ ન આવ્યા? આ સવાલનો જવાબ સમજણ વિકસિત થયા પછી મળ્યો કે ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. આપણા ધર્મસ્થાનોનું રક્ષણ માત્ર શ્રદ્ધાથી નહીં થાય, આપણે એના માટે સામર્થ્ય પણ કેળવવું પડશે. તો પછી આ સ્વાભિમાન પર્વ શા માટે? આખું વર્ષ એ ઘટનાને યાદ કરાવવા માટે કે એક લુટારો આવીને સોમનાથનું લિંગ તોડી ગયો હતો? આવી ઝાકઝમાળ, એનું જીવંત પ્રસારણ, કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતા પૂર, આ બધું સાવ વ્યર્થ નથી જવાનું. ગઈ કાલે પાકિસ્તાન ટીવી ચેનલ પરની એક ડિબેટ જોતો હતો. એક મુસ્લિમ ચિંતકને મેં નિખાલસતાપૂર્વક કબૂલાત કરતાં જોયો અને સાંભળ્યો. ભગવાન શિવજીનો મહિમા અને એનું દર્શન નિહાળીને એણે કહ્યું, “હિન્દુ મહાન ધર્મ છે. આપણે પણ હિન્દુ હતા પણ આપણે આપણો બાપ બદલ્યો”. એક સમાન ઉગઅ ધરાવતાં આપણા જ ભાઈઓએ સદીઓ પહેલાં બીજો ધર્મ અપનાવ્યો એ માટેના સાચા કારણો આપણે જાણતા નથી. મૃત્યુના ભયથી ડરી જઈને, ધનની લાલચથી કે ખરી આસ્થાથી મૂળ હિન્દુઓએ ધર્મ પરિવર્તન કર્યું હોઈ શકે. આજે એમાના કેટલાંક લોકો હિન્દુ ધર્મની મહાનતાને પ્રમાણે, સ્વીકારે અને જાહેરમાં કબૂલ કરે કે, “હમને અપના બાપ બદલા હૈ.” ત્યારે આ શબ્દોના પડછાયામાંથી મને ભગવાન સોમનાથનું સ્વાભિમાન જાગ્રત થતું દેખાય છે. આપણે હિન્દુઓ ક્યારેય બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતા કે નથી વિચારતા, આપણે માત્ર બીજા ધર્મો દ્વારા આપણા ધર્મની સ્વીકૃતિ જ ઈચ્છીએ છીએ.



