હમણાં એક વિચિત્ર પ્રકારના સમાચાર પ્રકાશિત થયા. થયું એવું કે યુ એ ઇ (યુનાઈટેડ આરબ એમીરેટ્સ – સંયુક્ત આરબ અમીરાત) નામનાં દેશે વિશ્વની યુનિવર્સિટીઓ નું લીસ્ટ બહાર પાડયું કે જ્યા તે પોતાના દેશના વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કોલરશીપ આપે છે. (આ એ જ યુ એ ઇ કે જ્યા દુબઈ અબુધાબી જેવા અદ્યતન નગરો આવેલા છે)
પણ આ વખતે આ લિસ્ટમાં બ્રિટનની એકેય યુનિવર્સિટીનું નામ નહોતું. બ્રિટનની યુનિવર્સિટીઝ ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાય છે. આ તમામને એકઝાટકે સ્કોલરશીપ થી કાઢી નાંખવાનું કારણ આપતા યુ એ ઇ એ બહુ નવાઇજન્ક કારણ આપ્યું : યુ એ ઇ એ કહ્યું કે બ્રિટનની યુનિવર્સિટીમાં કટ્ટર મુસ્લિમવાદ પનપી રહ્યો હોવાથી એમણે આ વલણ અખત્યાર કર્યું છે !!
યુ એ ઇ પોતે એક ચુસ્ત ઇસ્લામિક દેશ છે છતાં તે કટ્ટર ઇસ્લામથી અંતર રાખવા માંગે છે અને બ્રિટન જેવા યુરોપિયન દેશને આવું કહે છે તે બહુ મોટી ઘટના કહેવાય.
જૂના સમયમાં કહેવાતું કે બ્રિટિશ સામ્રાજ્યનો સુર્ય ક્યારેય આથમતો નથી કેમકે છેક પૂર્વથી લઈને પશ્ચિમ સુધી બ્રિટનનું શાસન હતું. ટચૂકડા બ્રિટને માત્ર પાંચસોથી ઓછા વર્ષના ગાળામાં આખા જગત ઉપર યુનિયન જેક લહેરાવી દીધો હતો તે આજે પણ અસાધારણ સિદ્ધિ લેખાય. કેમકે ટ્રમ્પ ડોસા ધમકીઓ આપી આપીને પણ આ ભગીરથ કામ કરી શકતા નથી જ્યારે અંગ્રેજોએ કાગળ કલમ અને દિમાગને જોરે આખા જગતને ઘૂંટણિયે લાવી દીધું હતું.
આજે આ બ્રિટન , મહાન બ્રિટન પોતાની ઓળખ અને ચમક ગુમાવી રહ્યું છે. આખી દુનિયાને એક કપડાં પહેરવનાર, એક ભાષા બોલતા કરનાર, એક બંધારણ અને એક શાસન પદ્ધતિ આપનાર દેશ પોતે કટ્ટર જીહાદિ આતંકવાદ જેવા અનિષ્ટ થી પીડાઇ રહ્યો છે. જાણે કોઈ ગજરાજ ને ગૂમડું પાકીને કેન્સર થઈ ગયું હોય !!!!!
મોગ્લીનું પાત્ર જેનાથી આવ્યું તે જંગલ બુક નામની પુસ્તકનો લેખક રુડયાર્ડ કિપ્લિંગ બહુશ્રુત વિદ્વાન હતો (એવા અનેક વિદ્વાન બ્રિટને પેદા કર્યા છે) પણ સાથે બહુ અભિમાની પણ હતો. એણે “વ્હાઈટ મેન્સ બર્ડન” નામની કવિતા લખેલી તે વાંચવા જેવી છે. તે માનતો કે જગતમાં જે કોઈ જંગલી અસભ્ય લોકો છે એમને “સીધા દોર” કરવા માટે ગોરા લોકોનો જન્મ થયો છે, આ કામ ગોરા લોકો ઉપરનું બર્ડન (જવાબદારી) છે.
જોકે કિપ્લિંગના જન્મ પહેલાં જ અંગ્રેજો અને બીજા યુરોપિયનો અમેરિકાની મૂળ સંસ્કૃતિઓને નષ્ટ ભ્રષ્ટ કરી ચૂક્યા હતા. ત્યાંથી મળેલ અફાટ દલ્લાનો ઉપયોગ એમણે ભારત જીતવા કર્યો. સ્પેનિશ ઇસ્ટ ઇન્ડીયા કંપની સહુથી ધનવાન હતી કેમકે એને અમેરિકન રેડ ઇન્ડિયન ને લૂંટી મારીને આજને હિસાબે પણ અબજો ખરવોમા થાય એટલો ખજાનો પ્રાપ્ત થયો હતો. પણ સ્પેનિશ સામ્રાજ્ય નું ધ્યાન ધર્મમાં હતું જ્યારે ચતુર વાણિયા જેવા અંગ્રેજોની નજર ધર્મની પેલે પાર પહોચતી હતી. એમણે સ્પેનિશ વહાણો ને લૂંટવાનું કામ શરૂ કર્યું (આ કામ પરથી જે વાર્તાઓ બની તેની રોચક ફિલ્મ આવૃત્તિ એટલે પાઇરેટ્સ ઓફ કેરેબિયન સિરીઝની મુવીઝ)
આમ, ધીમે ધીમે અને બળ કરતાં વધારે કળ પૂર્વક બ્રિટન બધા દેશોમાં સહુથી શક્તિશાળી બન્યું. પછી બ્રિટને ધર્મની ધુંસરી ફગાવી દીધી અને પોતાનો એક ધર્મ ફાંટો ઊભો કર્યો . (જેને પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી ધર્મ કહેવાય છે) . બ્રિટને રાજાને પણ કાબૂમાં રાખવા માટે સંસદ ની રચના કરી.આધુનિક લોકશાહીના મૂળ નાખ્યા. આપણા અનેક કાયદા અને કલમો બ્રિટિશ કાયદા ને આધારે છે.
બહુ ઓછાં જાણતા હશે કે આ ટચૂકડા પણ ખેપાન બ્રિટને જ મધ્ય પૂર્વના મુસ્લિમ ગણાતા દેશોની સરહદો આંકી . મહાન અને ખૂંખાર ગણાતા તુર્ક સામ્રાજ્યને ટુકડે ટુકડે વહેંચીને મુસ્લિમ રાષ્ટ્રોના “મહા બાપ” બની જવાની તુર્કીની મહેચ્છા મનમાં રહી ગઈ. સાથે જ બ્રિટને ઇઝરાયેલ માટે પેલેસ્ટાઇન ની જમીન પણ હળવેથી કાઢી આપી અને યહૂદીઓને ઘા વટ્ટથી વસાવ્યા.
બ્રિટીશરોએ જ લગભગ તમામ રાજા રજવાડાઓને વશ કરીને એમની પાસે થી મીલીટરી પાવર છીનવી લીધા અને રાજાશાહી શાસન પદ્ધતિનો અંત કરી દીધો. આજે રાજાઓ અમુક દેશોમાં જ છે બાકી બધે લોકશાહી કે એ પ્રકારની વ્યવસ્થા છે.
ઇસ્લામિક આક્રમણો થી વેર વિખેર થયેલા ભારતને ફરી એક ગાંસડી એ બાંધવાનું કામ પણ બ્રિટન નું. એક આડવાત કે કોંગ્રેસ હમેશા અંગ્રેજો પાસે “સ્વાયત્તતા” માંગતી હતી, સ્વરાજ નહિ. જેથી અંગ્રેજોની શાસકીય કુશળતાનો લાભ એમને મળે પણ કોંગ્રેસે અમુક સમય પછી (એની બેસંટ નામનાં બ્રિટિશ મહિલાના આગ્રહે) સ્વરાજ માંગવાનું શરૂ કર્યું. ભારત માતાનો કોન્સેપ્ત પણ મધર બ્રિટાનિયા પરથી આવેલો છે. (જોકે હિંદુઓ નદી જમીન ગાય ને પહેલેથી માતા માનતા આવ્યા છે) પણ આધુનિક ભારતમાતા નું સ્વરૂપ અને થીમ મધર બ્રિટાનિયા પરથી છે તે જોઈ શકાય છે.
બ્રિટને જ ભારતમાં 1924માં સાંસદ ભવન નું નિર્માણ શરૂ કરી દીધેલું. જેમાં ત્રણ ગૃહો હતા. એક ગૃહ રજવાડાના પ્રતિનિધિઓ માટે હતું.(જે પ્લાન પાછળથી બદલી ગયો). બ્રિટનનું વૈજ્ઞાનિક પ્રદાન પણ એટલું બળવાન છે કે એની માટે અલાયદું પુસ્તક થાય. રોયલ સોસાયટી એક જૂની અને માતબર સંસ્થા છે જેણે આજે વિજ્ઞાન નો રીતસર ક્રેઝ ઊભો કર્યો છે. (આ સંસ્થા અત્યંત શક્તિશાળી અને વિશાળ છે) આખા જગતની રાજકીય આર્થિક અને સામાજિક શિકલ નક્કી કરનાર, જગત આખાને વશમાં રાખનાર બ્રિટન આજે એક રૂઢિવાદી , ટોળાશાહી અને અવૈજ્ઞાનિક માનસિકતા ધરાવતી વિચારધારા સામે ધીરે ધીરે લાચાર બની રહ્યું છે.
દરેક મહાન સંસ્કૃતિનો એક ઉદય અને એક અંત હોય છે. વર્ષો સુધી વિશ્વને રાહ ચિંધનાર બ્રિટિશ કલ્ચરનો અંત સમગ્ર વિશ્વ માટે એક મોટો આઘાત હશે. તાલિબાની બુદ્ધિના બળદ દુનિયા પર રાજ કરે એની કરતા બ્રિટિશ જેવા બુદ્ધિમાન અને સુસંસ્કૃત લોકો કરે તે વધુ ઈચ્છનીય છે. બાકી આપણે તો વિશ્વગુરુ છીએ જ.
ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?



