’ૐ’ નો નાદ ત્રિદોષ અને શરીરના ચક્રોને સંતુલિત કરી સ્વાસ્થ્ય સુધારે છે
આજે ત્રણ વાગે પંચાક્ષરી મંત્રનો જાપ શરૂ કર્યો. લગભગ એક કલાક સુધી મંત્ર જાપ કર્યા પછી માત્ર એકલા ૐકારનો જાપ કર્યો. ૐ એ અનાહત શબ્દ કહેવાય છે. અન્ય તમામ અવાજો કોઈપણ બે વસ્તુઓના અથડાવાથી , ઘસાવાથી અથવા સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થાય છે , માટે એ બધા આહત નાદો કહેવાય છે. ૐ સ્વયંમાં પૂર્ણ શબ્દ છે પરંતુ તે કોઈ પણ બે વસ્તુઓના સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થતો નથી , માટે તે અનાહત કહેવાય છે. ૐ અ , ઓ અને મ આ ત્રણ અક્ષરોનો બનેલો એક શબ્દ છે. ૐ નો ઉચ્ચાર કરીએ ત્યારે પ્રથમ નાભિ પછી છાતી અને છેલ્લે કંઠમાં કંપન થાય છે. વાત્ત ,પિત્ત અને કફ આ ત્રિદોષના ઉદ્દગમ સ્થાનો પેટ ,છાતી અને ગળું મનાયા છે. આ ત્રિદોષ સાથે જોડાયેલી લગભગ 120 બીમારીઓ માત્ર ૐ ના ઉચ્ચારણથી સારી થઈ શકે છે. ૐ ના ત્રણ ઘટકોમાંથી “અ” જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં માનવ શરીરનું મણીપુર ચક્ર આવેલું છે , “ઉ” જ્યાંથી ઉદભવે છે ત્યાં હૃદય ચક્ર આવેલું છે અને “મ” ના ઉદગમ સ્થાનમાં વિશુધ્ધી ચક્ર રહેલું છે. આથી ઓમકારનો જાપ કરવાથી આ ત્રણેય ચક્રો આંદોલિત થાય છે. પરમાત્માના ચરણોમાં ડો. શરદ ઠાકરના પ્રણામ. સનાતન વૈદિક ધર્મના મંત્રોને, સ્વર વિજ્ઞાનને અને શ્વાસના વિજ્ઞાનને મનુષ્યના આરોગ્ય સાથે સીધો સંબંધ છે. હું એલોપથી નો વિદ્યાર્થી છું , હું ભાગ્યે જ કોઈ પણ ઉપચાર પદ્ધતિની દવાઓનો ઉપયોગ કરું છું. શક્ય હોય ત્યાં સુધી દવાઓ લીધા વગર જ સાજો થવાનો પ્રયત્ન કરું છું અને મહદઅંશે તેમાં હું સફળ થયો છું. મારા પોતાના અનુભવ પરથી અને મારા અસંખ્ય મિત્રો ઉપર કરેલા પ્રયોગો પછી હું એક સૂચન કરું છું. દરેક ઋતુઓના સંધિકાળે મોટાભાગના લોકોને શરદી અને ઉધરસ જેવા શ્વાસના રોગો થતા હોય છે. આ બીમારીઓમાં દેશી ઉપચારો કરો કે એલોપથી ની દવાઓ ગળો , પાંચ કે સાત દિવસ પહેલા સાજા થવાતું નથી. પરંતુ જો દિવસમાં ત્રણ વાર માત્ર દસ દસ મિનિટ ઓમકારનો જાપ કરો અને દિવસમાં 40 વાર પ્રાણાયામ કરો તો આખા વર્ષ દરમિયાન શરદી અને ઉધરસ જેવા રોગો થવાની ફ્રિકવન્સી નહીંવત થઈ જશે. ઓમકાર અને પ્રાણાયામ એ સનાતન વૈદિક ધર્મ તરફથી જગતને આપવામાં આવેલી બે અમૂલ્ય ભેટો છે.



