T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા કરવામાં આવી રહેલું નાટક ચરમસીમાએ પહોંચ્યું છે. IPLમાંથી મુસ્તાફિઝુર રહેમાનને બહાર કરવાના BCCIના નિર્ણય બાદ, BCBએ ભારતમાં સુરક્ષાના કારણોનું બહાનું ધરીને પોતાના મેચોને અન્ય દેશમાં શિફ્ટ કરવાની માંગ કરી હતી. જોકે, ICCએ બાંગ્લાદેશની આ જીદને ફગાવી દઈને સ્પષ્ટ કહ્યું છે કે, “કાં તો ભારતમાં રમો, અથવા પોઈન્ટ ગુમાવવા તૈયાર રહો.”
આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની માંગણીઓ ન સ્વીકારાતા, હવે બાંગ્લાદેશના ખેલાડીઓની માનસિક સ્થિતિ પર તેની અસર દેખાવા લાગી છે. ટીમના જ ટેસ્ટ કેપ્ટન નજમુલ હુસૈને આ વિવાદ પર પોતાની ચુપ્પી તોડી છે અને સ્વીકાર્યું છે કે આ વિવાદે ખેલાડીઓને અંદરથી તોડી નાખ્યા છે.
- Advertisement -
અમે નાટક કરી રહ્યા છીએ – બાંગ્લાદેશી કેપ્ટનનો સ્વીકાર
પત્રકારો સાથે વાત કરતા, નજમુલ હુસૈને સ્પષ્ટપણે કહ્યું, “સૌથી પહેલા, જો તમે અમારા વર્લ્ડ કપના પરિણામો જુઓ, તો અમે ક્યારેય સતત સારું ક્રિકેટ રમ્યું નથી. પરંતુ તમે જોશો કે દર વર્લ્ડ કપ પહેલા કંઈકને કંઈક થાય જ છે. હું મારા ત્રણ વર્લ્ડ કપના અનુભવથી આ કહી શકું છું – તેની અસર થાય છે.”
તેમણે વધુમાં જે કહ્યું તે ચોંકાવનારું હતું, “હવે, અમે એવું બતાવીએ છીએ કે જાણે અમારા પર કોઈ વાતની અસર નથી થતી, કે અમે સંપૂર્ણપણે પ્રોફેશનલ ક્રિકેટર છીએ. તમે લોકો પણ સમજો છો કે અમે એક્ટિંગ (નાટક) કરી રહ્યા છીએ – આ સરળ નથી. અલબત્ત, જો આ બધી વસ્તુઓ ન થતી હોત તો સારું થાત, પરંતુ તે અમારા નિયંત્રણની બહાર છે.”
- Advertisement -
ખેલાડીઓ પર બોર્ડના નિર્ણયનું દબાણ
નજમુલ હુસૈનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના રાજકીય અને બિનજરૂરી નિર્ણયોનું દબાણ સીધું ખેલાડીઓ પર આવી રહ્યું છે. એક તરફ જ્યાં ખેલાડીઓએ મેદાન પર પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ત્યાં તેઓ બોર્ડ દ્વારા ઉભા કરાયેલા વિવાદોને કારણે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. કેપ્ટનનું આ નિવેદન એ વાતનો પુરાવો છે કે બાંગ્લાદેશી ખેલાડીઓ પોતે પણ આ વિવાદથી ખુશ નથી અને માત્ર પોતાના બોર્ડના દબાણમાં મૌન સેવી રહ્યા છે. ICCના કડક વલણ બાદ, હવે જોવાનું એ રહેશે કે BCB પોતાના ખેલાડીઓના ભવિષ્ય અને વર્લ્ડ કપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટને દાવ પર લગાવીને પોતાની જીદ ચાલુ રાખે છે કે પછી સમજદારી બતાવીને ભારતમાં રમવા માટે તૈયાર થાય છે.




