પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો ભવ્ય પ્રારંભ
પ્રધાનમંત્રી મોદીના વિઝન સાથે સોમનાથમાં આધ્યાત્મિક મહોત્સવનો પ્રારંભ
- Advertisement -
વિશ્ર્વશાંતિ માટે અખંડ ઓમકાર નાદથી ગુંજી ઉઠ્યું પ્રભાસ તીર્થ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
ભારતીય સંસ્કૃતિ અને અસ્મિતાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજથી ’સોમનાથ સ્વાભિમાન પર્વ’નો દિવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ મહોત્સવ અંતર્ગત આજે 8 જાન્યુઆરીના રોજ સવારે 72 કલાકના અખંડ ઓમકાર જાપ અને મંત્રોચ્ચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓની ઉપસ્થિતિમાં શંખનાદ અને ડમરુના ગુંજારવ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. આજે વહેલી સવારે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પ્રેરક ઉપસ્થિતિમાં ’સોમનાથ સ્વાભિમાન પર્વ’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ગગન ગજાવતા શંખનાદ અને ભગવાન શિવને અતિ પ્રિય એવા તાલવાદ્ય ડમરુના નાદ સાથે આ આધ્યાત્મિક ઉત્સવની શરૂઆત થઈ હતી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પોતે પ્રતીકરૂપે શંખ વગાડીને આ પર્વને ખુલ્લું મૂક્યું હતું. સોમનાથના આંગણે યોજાઈ રહેલા આ સ્વાભિમાન પર્વનું મુખ્ય આકર્ષણ 72 કલાક સુધી ચાલનારા અખંડ ઓમકાર જાપ છે. ગુજરાતભરમાંથી પધારેલા આશરે 2500 જેટલા ઋષિકુમારો દ્વારા સતત ત્રણ દિવસ સુધી ઓમકારનો નાદ કરવામાં આવશે. ઓમકાર એ પરમ ચેતનાને ઉજાગર કરતો નાદ છે, જે અંતરના શુદ્ધિકરણ અને પરમાત્મા સાથેના મિલનનું પ્રતીક મનાય છે. પવિત્ર અગ્નિની સાક્ષીએ શરૂ થયેલા આ જાપના પ્રથમ સત્રમાં ઋષિકુમારોએ જે શિસ્ત અને ભક્તિભાવ સાથે મંત્રોચ્ચાર કર્યા તેનાથી ઉપસ્થિત હજારો શિવભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા. સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ, આ પર્વ માત્ર સોમનાથ પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર દેશમાં ઉજવાય તેવું આયોજન કરાયું છે. સોમનાથમાં ઓમકાર જાપના પ્રારંભની સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છ, સમગ્ર ગુજરાત અને ભારતભરના મુખ્ય શિવાલયોમાં પણ શ્રદ્ધાળુઓ દ્વારા ઓમકાર પાઠ અને શિવ આરાધનાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ રીતે સોમનાથથી શરૂ થયેલી સ્વાભિમાનની લહેર દેશના ખૂણે ખૂણે પહોંચી છે. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યના મંત્રીઓએ માત્ર હાજરી જ નહોતી આપી, પરંતુ તેઓ પોતે પણ ઋષિકુમારોની સાથે ઓમકાર જાપમાં બેઠા હતા. મહાનુભાવોને પોતાની સાથે ભક્તિમાં લીન જોઈને ઋષિકુમારો અને પ્રવાસી યાત્રાળુઓના ઉત્સાહમાં પણ વધારો થયો હતો. મંત્રીઓએ અનુરોધ કર્યો હતો કે આ સ્વાભિમાન પર્વ એ ભારતની સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ છે, અને વધુમાં વધુ શિવભક્તોએ આ પવિત્ર ઓમકાર નાદમાં સહભાગી થઈને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવી જોઈએ. સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલા હજારો યાત્રાળુઓ માટે પણ આ એક અવિસ્મરણીય લ્હાવો હતો. એક તરફ સમુદ્રની લહેરોનો નાદ અને બીજી તરફ હજારો ઋષિકુમારો દ્વારા ઉચ્ચારાતો ’ઓમ’નો અવાજ સમગ્ર પ્રભાસ ક્ષેત્રને કૈલાસ જેવો ભાસ કરાવતો હતો. સમગ્ર વાતાવરણમાં વ્યાપેલી આ પવિત્રતાએ ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. આ ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો દ્વારા ભારતની ભવ્યતાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે. પ્રારંભિક તબક્કે જ જે રીતે જનમેદની અને શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે, તે જોતા આ પર્વ ઐતિહાસિક સાબિત થશે તેમાં કોઈ શંકા નથી.
- Advertisement -
જૂનાગઢ ભવનાથ સહિતના શિવ મંદરોમાં ત્રણ દિવસ સુધી ઓમકાર જાપ મંત્ર
સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે સોમનાથમાં ત્રણ દિવસ સુધી શિવ વંદના સહિતના ભવ્ય કાર્યક્રમ યોજવાના છે. તા. 10 અને 11મી ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમોનું આયોજન થયું હોય સોમનાથની સાથે સાથે જુનાગઢ જિલ્લામાં પણ શિવ આરાધનાના કાર્યક્રમોનું આયોજન થયું છે. જૂનાગઢના ભવનાથ મંદિર, ભુતનાથ મંદિર તેમજ બીલખામાં રાવતેશ્વર મંદિર તેમજ કેશોદમાં નીલકંઠ મહાદેવના મંદિર સહિત જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં ત્રણ દિવસ સુધી અખંડ ઓમકાર જાપ વિશેષ પૂજા અર્ચના સહિત શિવ આરાધના કરવામાં આવશે. બીજી તરફ તા. 11 મીના રોજ જુનાગઢ જિલ્લામાંથી પણ શ્રદ્ધાળુ ભક્તો કાર્યકર્તાઓ સોમનાથ શોર્ય સભામાં સહભાગી થવા જશે.



