ખનિજ માફિયાઓ પર પ્રાંત અધિકારી અને મામલતદારનો સપાટો: તપાસ તેજ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
- Advertisement -
થાનગઢ તાલુકામાં ગેરકાયદે ખનન અને સંગ્રહખોરી સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુગલિયાણા ગામના સરકારી સર્વે નંબર 204 પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલ અંદાજે 50 ટન કોલસાનો જથ્થો મળી આવ્યો હતો. મામલતદાર દ્વારા આ તમામ જથ્થો જપ્ત કરી કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થાનગઢ વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદે ખનનના કુવાઓ બંધ કરાવવામાં આવ્યા હતા, જે ફરી શરૂ ન થાય તે માટે તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને આકસ્મિક તપાસ તેજ કરવામાં આવી છે. હાલ આ બિનવારસી હાલતમાં મળી આવેલા કોલસાના માલિકની શોધખોળ અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.



