ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાની ગીર સોમનાથ જિલ્લાની એક દિવસીય મુલાકાત દરમિયાન મંત્રીના હસ્તે જિલ્લાના વેલણ, ભેભા અને હરમડિયા ખાતે કરોડોના ખર્ચે વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં.
આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ મનુષ્યના જીવન ઘડતરનો પાયો અને સમાજની પ્રગતિનો મુખ્ય આધાર છે. જો શિક્ષણ તંદુરસ્ત તો સમાજ તંદુરસ્ત અને સમાજ તંદુરસ્ત તો રાષ્ટ્ર તંદુરસ્ત, જો રાષ્ટ્ર તંદુરસ્ત તો જ ખરા અર્થમાં વિકસિત રાષ્ટ્ર બનશે. શિક્ષણ એ એક એવું સાધન છે, જેના માધ્યમથી જ વૈચારિક પ્રગતિ શક્ય છે.
સ્ટેટ પ્રોજેક્ટ કચેરી ગાંધીનગર અંતર્ગત કોડીનાર તાલુકાના વેલણ ખાતે મંત્રીના હસ્તે સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂ.4.50 કરોડના ખર્ચે તૈયાર થનાર શાળામાં અત્યાધુનિક વર્ગખંડ, પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબ, સ્ટાફ રૂમ, એક્ટિવિટી રૂમ, પેન્ટ્રી વગેરે જેવી માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેનો લાભ વેલણ, કોટડા અને માઢવાડ સહિત આસપાસના ગ્રામ્ય વિદ્યાર્થીઓને મળશે.
આ જ ઉપક્રમે ભેભા ગામે મંત્રીશ્રીના હસ્તે અંદાજીત રૂ.1 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સમારકામ થયેલા વર્ગખંડ, મીડ ડે મીલ રસોડું, વિદ્યાર્થીઓ માટે ટોઈલેટ અને બ્લોક નાખવા સહિતના નવીનીકરણ પામેલા પ્રકલ્પોનો સમાવેશ થાય છે. જ્યારે ગીરગઢડા તાલુકાના હરમડિયા ખાતે મંત્રીશ્રીએ અંદાજીત રૂ.4.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રીના હસ્તે વેરાવળ, ગોરખમઢી, ગીરગઢડા, ઈણાજ, ખાપટ સહિત વિવિધ ગામના શિક્ષકોને પૂરા પગારના આદેશ આપવામાં આવ્યા હતાં.



