ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આપણે બાળપણથી વાંચતા આવ્યા છીએ કે જળ, જંગલ અને જમીન પ્રકૃતિ તરફથી મળેલા નિ:શુલ્ક ઉપહાર છે. પરંતુ આજે પાણી વેચાઈ રહ્યું છે, જંગલો કપાઈ રહ્યા છે અને ત્યાં રહેતા પ્રાણીઓ તથા માનવોને ઉખેડી ફેંકવામાં આવી રહ્યા છે. આ બાબતનો સોથી મોટો પુરાવો એ છે કે હાલ પ્રાપ્ત જાણકારી અનુસાર અરવલ્લીની 100 મીટર સુધીની પર્વતમાળાને પર્વત ન ગણાવીને ત્યાં ખનન કરવાની મંજૂરી આપવામાં આવશે. કારણ સ્પષ્ટ છે, આ વિસ્તારમાં અમૂલ્ય ખનિજ ભંડારો છે. જે આ વિસ્તારના આર્થિક અને ભૂગર્ભીય મહત્વને દર્શાવે છે. ભૂગર્ભશાસ્ત્રીઓ મુજબ અરવલ્લી લગભગ બે અબજ વર્ષ જૂની છે. એટલા માટે આજે તેની પર્વતમાળા મોટા ભાગે ઉચ્ચપ્રદેશ સ્વરૂપમાં જોવા મળે છે, છતાં પણ અહીં 1722 મીટર ઊંચું ગુરુ શિખર આવેલું છે, જે માઉન્ટ આબૂમાં સ્થિત છે.
અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની ઓળખ છે. તેને વિશ્ર્વની સૌથી જૂની પર્વતમાળા માનવામાં આવે છે. તેની કુલ લંબાઈ 692 કિલોમીટર છે, જેમાંથી આશરે 550 કિલોમીટર રાજસ્થાનમાં આવેલું છે. આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ આબુમાં ગુરુ શિખર છે, જેની ઊંચાઈ 1727 મીટર છે. અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની મોટાભાગની નદીઓનો સ્ત્રોત છે અને રાજ્યના પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. અરવલ્લીની ગોદમાં વસેલું કોટલા વેટલેન્ડ વિસ્તારનું સૌથી મોટું કુદરતી પાણીનું સ્ત્રોત માનવામાં આવે છે. આશરે 5 હજાર એકરમાં ફેલાયેલી આ વિશાળ ઝીલ માત્ર વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું કામ કરતી નથી, પરંતુ નૂંહ અને આસપાસના ગામો માટે એકમાત્ર મોટું વોટર રિચાર્જ ઝોન પણ છે. ચિંતાની વાત એ છે કે આ વિભાગ સમગ્ર વેટલેન્ડમાંથી ફક્ત 90 એકર વિસ્તારને જ સુરક્ષિત માને છે. આવી સ્થિતિમાં બાકી રહેલો વિસ્તાર નાશ પામવાના ભયમાં છે. આ મુદ્દે પર્યાવરણવિદોએ લગભગ એક વર્ષ પહેલાં એનજીટીમાં અરજી પણ દાખલ કરી હતી, જેના આધારે ટ્રિબ્યુનલએ રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા છે.
- Advertisement -
અરવલ્લી પર્વતમાળા: સૌથી મોટો વોટર સોર્સ
અરવલ્લી પર્વતમાળામાંથી અનેક મહત્વની નદીઓ નીકળે છે. તેમાં મુખ્ય બનાસ, સાબરમતી અને લૂણી છે. બનાસ યમુનાની સહાયક નદી છે, સાબરમતી ખંભાતની ખાડીમાં મળે છે અને લૂણી કચ્છના રણમાં સમાપ્ત થાય છે. આ ઉપરાંત બેરાચ, વાગલી, વૈગન અને ગંભીરિ જેવી અનેક સહાયક નદીઓ પણ અરવલ્લી માંથી નીકળે છે. રાજસ્થાનમાં નખી તળાવ, સાંભર તળાવ, પિછોલા તળાવ (ઉદયપુર) અને જયસમંદ તળાવ; જ્યારે હરિયાણામાં દમદમા તળાવ, બડખલ તળાવ અને સૂરજકુંડ જેવા તળાવો પણ અરવલ્લીના પાણી પર આધારિત છે. અરવલ્લી પર્વતમાળા જળ સંગ્રહ માટેનો એક અત્યંત મહત્વનો વિસ્તાર છે. જો તેને નષ્ટ થવાથી બચાવવામાં નહીં આવે, તો આ તમામ નદીઓ અને તળાવો સુકાઈ જશે.
100 મીટર સુધીની પર્વતમાળાને પર્વત ન ગણાવીને ત્યાં ખનન કરવાની મંજૂરી આપતી સુપ્રીમ કોર્ટ
- Advertisement -
અરવલ્લી પર્વતમાળાની લંબાઈ 692 કિ.મી. છે, જેમાંથી 550 કિ.મી. રાજસ્થાનમાં
અરવલ્લી બચાવો સિટિઝન મૂવમેન્ટની ટ્રસ્ટી વૈશાલી રાણાએ જણાવ્યું કે, જો હાલ ઝીલનું સંરક્ષણ નહીં થાય તો તે માત્ર ઇતિહાસ બનીને રહી જશે. વર્ષ 1882ના લેન્ડ રેવન્યુ અને હાલના સિંચાઈ વિભાગના રેકોર્ડ મુજબ આ વેટલેન્ડ લગભગ 5 હજાર એકરમાં ફેલાયેલું છે, પરંતુ વિભાગ ફક્ત 90 એકરને જ સુરક્ષિત વિસ્તાર માને છે. બ્રિટિશ કાળના દસ્તાવેજોમાં પણ તેને ગુડગાંવની સૌથી મોટી ઝીલ તરીકે દર્શાવવામાં આવી છે. આ ઝીલ ઉત્તરથી દક્ષિણ તરફ 3 માઈલ લાંબી અને 2.5 માઈલ પહોળી હતી. વરસાદના સમયમાં ઝીલ 20 માઈલ સુધી વિસ્તરતી હતી. આ એક કુદરતી વોટર રિઝર્વોયર હતું, જે આજે પ્રશાસનિક બેદરકારીનો ભોગ બની રહ્યું છે.
જો આ સુંદર અરવલ્લીની લગભગ સાતસો કિલોમીટર લાંબા વિસ્તારને નષ્ટ કરવામાં આવશે તો થાર રણ સમગ્ર રાજસ્થાન, ગુજરાતનો ઉત્તર ભાગ, હરિયાણા, દિલ્હી અને અહીં સુધી કે પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશને પણ પોતાની ચપેટમાં લઈ લેશે. જળ સંગ્રહ કેન્દ્ર નષ્ટ થતાં આ વિસ્તારો ભયંકર દુષ્કાળગ્રસ્ત બની જશે. પરિણામે અજમેર શરીફ, પુષ્કર, ખાટૂ શ્ર્યામજી સાથે સાથે જેસલમેર, જોધપુર, ઉદયપુર અને માઉન્ટ આબૂના દેશી-વિદેશી પર્યટન પર પણ ગંભીર અસર પડશે. ભરતપુરમાં જોવા મળતી જૈવ વૈવિધ્યતા પણ ખતમ થઈ જશે. પહેલેથી જ પ્રદૂષણના ધુમાડાથી હેરાન રાજધાની દિલ્હીનું ભવિષ્ય શું થશે?
અરવલ્લીના વિનાશથી ભારતનું ભૂગોળીય સ્વરૂપ બદલાઈ જશે, જેના કારણે હજારો વર્ષોથી વિકસેલી આપણી સંસ્કૃતિ અને સભ્યતા પણ નષ્ટ થવાની સપાટી પર પહોંચી જશે. આ કહેવામાં કોઈ સંકોચ નથી કે ખાનગીકરણ દ્વારા અગાઉની સરકારોએ ઊભી કરેલી મોટી સંસ્થાઓ જેમ કે શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી વગેરેના દુ:ખદ પરિણામો હવે સામે આવવા લાગ્યા છે. જંગલો એટલે કે હવા, પાણી અને જમીન પછી હવે અરવલ્લી પર્વતમાળા સંબંધિત આ નિર્ણય સૌથી વધુ ખતરનાક સાબિત થવાનો છે.
કોર્ટના નિર્ણયથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલાઈ ગઈ
20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે ભારતની સૌથી જૂની પર્વતમાળા, અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. જેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (ખજ્ઞઊઋઈઈ)ના નેતૃત્વ હેઠળની સમિતિની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો. કોર્ટના નિર્ણયથી અરવલ્લી પર્વતમાળાઓની નવી વ્યાખ્યા 100 મીટરની ઊંચાઈ મર્યાદા સુધી મર્યાદિત થઈ ગઈ, 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ પર્વત શ્રેણીની વ્યાખ્યાની બહાર રહી ગઈ, જેનાથી મોટા પાયે ખાણકામને મંજૂરી મળશે. હવે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાશે નહીં એટલે તેમાં ખનન કરી શકાશે એવું કહેવાય છે.
સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવ અભિયાન શરૂ
રાજસ્થાનના નાથદ્વારાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જીગીશા જોશી, જે મેવાડી બાઈ તરીકે જાણીતી છે તેણે અરવલ્લી પર્વતમાળા વિશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોનો ટેકો મેળવી રહ્યો છે. આ વીડિયોએ અરવલ્લી વિવાદને ફરીથી ચર્ચામાં લાવ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ પર્યાવરણ માટે ખતરનાક ગણાવી અને ‘અરવલ્લી કો બચાઓ’ અભિયાનને ટેકો આપ્યો. દરમિયાન સોશિયલ મીડિયા પર જાહેર અને પર્યાવરણીય કાર્યકરો બંને સક્રિયપણે અરવલ્લીઓના રક્ષણની માંગ કરી રહ્યા છે.



