આરોહણ-અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા કલેકટર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ ગરવા ગિરનાર પર્વતને સર કરવા માટે આગામી તા.4 જાન્યુઆરીના રોજ યોજાનારી 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ કરી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરશ્રીએ સ્પર્ધામાં ભાગ લેવા રાજ્યભરમાંથી આવનાર 1,377 સ્પર્ધકોને રહેવા-જમવાની સુવિધાઓ ઉપરાંત સ્પર્ધાની જોખમી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ત્વરિત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે એમ્બ્યુલન્સ અને પૂરતી મેડિકલ ટીમ તૈનાત રાખવા માટે ખાસ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં સ્પર્ધાના રૂટ પર સાફ-સફાઈ, વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે અને ગિરનાર સીડીનું રિપેરિંગ કાર્ય સમયસર પૂર્ણ થાય તે અંગે પણ કલેકટરે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અખિલ ગુજરાત સ્પર્ધા માટે રાજ્યભરમાંથી કુલ 1377 સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં સિનિયર ભાઈઓ-611, જુનિયર ભાઈઓ-346, સિનિયર બહેનો-166 અને જુનિયર બહેનો-254નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફેબ્રુઆરી માસની પહેલી તારીખે યોજાનારી 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના આયોજન અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડીવાયએસપી હિતેષ ધાંધલીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



