રવિ સિઝન પૂર બહારમાં, યુરિયાની અછતથી આક્રોશ: લાંબા ધક્કા અને રાતભર કતારમાં ઊભા રહેવા છતાં ખાતર મળ્યું નહીં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં રવિ સિઝનનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હોવા છતાં યુરિયા ખાતરના વિતરણમાં તંત્રની અનિયમિતતા અને નિષ્ફળતાને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેડૂતોએ ખાતરની અછતથી કંટાળીને રોષભેર “ખાતરનો જથ્થો પૂરો પાડો સરકાર” ના નારા લગાવ્યા હતા.
ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે, લાંબા દિવસોના ધક્કા, અને મોડી રાતથી કતારમાં ઊભા રહેવા છતાં તેમને ખાતર મળતું નહોતું, જેના કારણે તેમને ભારે રઝળપાટ કરવો પડ્યો હતો. ડેપો બહાર જ્યાં જુઓ ત્યાં ખેડૂતોની ભીડ જ નજરે પડતી હતી. જોકે, કલેક્ટર સમક્ષ રજૂઆત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. છેલ્લા 15 દિવસમાં જિલ્લામાં 4000 મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરવામાં આવ્યું હોવાના દાવા છે, જેમાં કોડીનાર તાલુકામાં 800 મેટ્રિક ટન ખાતર વહેંચાયું હતું અને 7 ડિસેમ્બરે દેવળી સેવા સહકારી મંડળી ખાતે બરડા અને દેવળી ગામના ખેડૂતોને ખાતરનું વિતરણ કરાયું હતું. પરંતુ સમયસર આયોજન કરવામાં તંત્રની નિષ્ફળતા એ હજારો ખેડૂત પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.



