રૂ. 13.53 કરોડના ખર્ચે નવનિર્મિત આવાસો અને મહિલા બેરેકનું લોકાર્પણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
- Advertisement -
રાજ્યના નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે જૂનાગઢની મુલાકાત લીધી હતી અને રૂ. 13.53 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મહત્વના મકાનોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પોલીસ જવાનો અને તેમના પરિવારજનોને અદ્યતન સુવિધા સાથેના આવાસોની સવલત પ્રાપ્ત થઈ છે.
રાજ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે દિવસ-રાત પરિશ્રમ કરતા સુરક્ષા કર્મીઓનું મનોબળ ટકાવી રાખવું અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, નાગરિકોના સંરક્ષણ માટે સતત દોડતા જવાનો અને તેમના પરિવારજનોને ગુણવત્તાયુક્ત રહેણાંક સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. આ લોકાર્પણમાં જેલ ફાર્મવાડી ખાતે રૂ. 11.18 કરોડના ખર્ચે ફર્નિચર સહિતની અધ્યતન સુવિધા સાથેના કુલ 14 પોલીસ આવાસો (બી, સી, અને ડી કેટેગરીના)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જિલ્લા જેલ ખાતે રૂ. 2.35 કરોડના ખર્ચે નવનિર્મિત મહિલા બેરેક, રેકર્ડ રૂમ, સુબેદાર તથા જેલ ગાર્ડ રૂમ અને એસઆરપી બેરેક સહિતના બાંધકામોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના મહાનુભાવો, પોલીસ અને જેલ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.



