આ ઘટના મીડિયા સુધી ન પહોંચે તે એરપોર્ટ ઓથોરિટીએ ધટના છુપાવી, પ્રાંત અધિકારીએ ધટનાની કરી પુષ્ટિ
અમરેલી એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.8
અમરેલી એરપોર્ટ પર ફરી એક દુર્ઘટના ટળી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. મળતી માહિતી મુજબ અમરેલી શહેરના એરપોર્ટ પર વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનુ એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. રનવે પરથી ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન કોઈ કારણોસર નીચે ઉતરી જતા દોડધામ મચી જવા પામી હતી. ટ્રેનિંગ સેન્ટર નું પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયાનો વિડીયો સામે આવ્યો હતો. જોકે આ ઘટનાને એરપોર્ટ ઓથોરિટી દ્વારા છુપાવી હતી અને મિડિયા સુધી ન પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતાં. પરંતુ પ્રાંત અધિકારીએ આ ધટનાની પુષ્ટિ કરી હતી. રનવે પરથી પ્લેન નીચે ઉતરવાની બીજી ઘટના બની હતી. આ અગાઉ ગત 28 સપ્ટેમ્બર ના રોજ ટ્રેનિંગ પ્લેન લેન્ડિંગ દરમિયાન વરસાદી માહોલમાં રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. અમરેલીમાં એક વર્ષ દરમિયાન આ ત્રીજી ઘટના બની છે. અગાઉ પણ અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થતાં પ્લેનમાં આગ લાગી જેથી ટ્રેનિંગ પાયલોટ નું મોત નીપજયુ હતું. ત્યારે ફરીવાર અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. અમરેલી શહેર પરથી દિવસભર પ્લેન ઉડતાને લઇ લોકોએ આંદોલન પણ કર્યું હતું. ટ્રેનિંગ સેન્ટરના પ્લેન શહેર પરથી ઉડતા હોવાથી લોકોએ ઘરણા કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને શહેર પર પ્લેન ન ઉડાડવાની માંગણી યથાવત્ છે. પ્રાંત અધિકારી મહેશ નાકિયાએ આ ધટનાની પુષ્ટિ કરી હતી. પ્લેન રનવે પરથી આવતા સ્લીપ ખાઈ ગયું હતું. અને કોઈ જાનહાનિ થઇ ન હતી તેમ જણાવ્યું હતું.



