ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુધારેલા જાહેરનામા તથા અત્યાર સુધી થયેલ કામગીરીની સમીક્ષા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નિકુંજકુમાર ડી. ધૂળાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન સુધારેલ કાર્યક્રમની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. તેમજ ફોર્મ વિતરણ, ફોર્મ કલેક્શન અને ગણતરી ફોર્મના ડિજિટાઇઝેશન તબક્કાની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં ડિજિટાઇઝેશન 87.53 ટકા પૂર્ણ કરવામાં આવી છે. તેમજ અનકલેક્ટેબલ ફોમ્ર્સની સંખ્યા 1,40,143(10.78 ટકા) છે.કુલ 13,00,344 મતદારો પૈકી 1,40,143 મતદારોનો સમાવેશ અનકલેક્ટેબલ કેટેગરીમાં થાય છે. તેમાં મૃત્યુ પામેલા મતદારો 51,481, ગેરહાજર મતદારો 16,119, કાયમી સ્થળાંતર કરેલા મતદારો 65,940, પહેલેથી અન્યત્ર નોંધાયેલા મતદારો 5,732, અન્ય કારણોસર 371, અને કુલ 21,927 મતદારોએ હજી ફોર્મ સંબંધિત બીએલઓને જમા કરાવ્યા નથી. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા રાજકીય પક્ષોને જે મતદારો એ ફોર્મ જમા નથી કર્યું તેવા લોકોને 11 ડિસેમ્બર 2025 સુધીમાં ફોર્મ જમા કરાવવામાં સહાયરૂપ થવા અપીલ કરી હતી સમયસર ફોર્મ જમા ન કરનાર મતદારોના નામ તા. 16 ડિસેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર નીકળી શકે છે. નવા મતદારોને પણ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાની અપીલ કરવામાં આવી હતી.



