ભાજપના વોર્ડ સદસ્ય દ્વારા જેસીબી મોકલાયાનો આક્ષેપ; પ્રદૂષણ નિયંત્રણ કરતું વૃક્ષ જમીનદોસ્ત થતાં પર્યાવરણપ્રેમીઓમાં રોષ, કાર્યવાહીની માગ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં નગરપાલિકાના સાધનો ખાનગી હોસ્પિટલના અંગત હિત માટે વાપરવામાં આવતા મોટો વિવાદ ઊભો થયો છે. રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર આવેલ સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ પણ વૃક્ષ કટીંગ કરતા ચર્ચામાં આવી હતી, અને હવે ગત 26 નવેમ્બરની આસપાસ હોસ્પિટલને નડતરરૂપ અરડૂસા નામના વર્ષો જૂના વૃક્ષનું નગરપાલિકાના જ જેસીબી મારફતે નિકંદન કરી દેવામાં આવતા ચકચાર મચી છે.
પાલિકાના સદસ્ય વિવાદમાં: મહત્વની વાત એ છે કે, આ વૃક્ષ છેદન માટે હોસ્પિટલ દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી નથી. આ મામલે પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ ખુદ નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર-3 ના સદસ્ય રજનીભાઈ જાલંધરા દ્વારા જેસીબી અને ટ્રેક્ટર ખાનગી હોસ્પિટલના કામ માટે મોકલાયું હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલનું લોકાર્પણ 7 ડિસેમ્બરે થવાનું હોવાથી, તેના સ્વાર્થ માટે જે વૃક્ષ પ્રદૂષણને નિયંત્રિત કરવાનું અને અન્ય વૃક્ષો કરતાં વધુ ઓક્સિજન આપવાનું કામ કરતું હતું, તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.
સદસ્યનો બચાવ: આ અંગે વોર્ડ સદસ્ય રજનીભાઈ જાલંધરા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં જેસીબી માત્ર હોસ્પિટલ નજીક ધૂળના ઢગલાઓના રીપેરિંગની કામગીરી માટે મોકલ્યું હતું, કોઈ વૃક્ષ કાપવા માટે નહીં. જોકે, તેમણે ખાનગી હોસ્પિટલ માટે પાલિકાનું જેસીબી મોકલવું કેટલા અંશે વ્યાજબી છે, તે પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું.
કાર્યવાહીની માગ: સામાન્ય નાગરિક વૃક્ષ કાપે તો દંડ થાય છે, પરંતુ રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી લોકોમાં રોષ છે.
સરકારી સાધનોનો અંગત ફાયદા માટે ઉપયોગ કરાતાં નગરપાલિકાના સત્તાધિશોની મિલિભગત હોવાના સવાલો ઉઠ્યા છે.
જવાબદાર તંત્ર દ્વારા સ્પર્શ હોસ્પિટલ સામે વૃક્ષ છેદન અધિનિયમ હેઠળ દંડની કાર્યવાહી કરવા, તેમજ પાલિકાનું જેસીબી મોકલનાર સદસ્ય અને ચીફ ઓફિસર સામે કાયદાકીય પગલાં લેવા માટે લોકોમાંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે સત્તાધિશો પોતાના મળતીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે નહીં.



