જૂનાગઢમાં 108 એમ્બ્યુલન્સ બની જીવનરક્ષક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢ તાલુકાના ઉમરાળા ગામના વાડી વિસ્તારમાં એક શ્રમિક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. 22 વર્ષીય આ સગર્ભા મહિલા લોહીની બીમારી ’સિકલ સેલ એનિમિયા’ પોઝિટિવ હોવાને કારણે તેમની પ્રસુતિ અત્યંત જોખમી ગણાતી હતી.
બીલખા 108 એમ્બ્યુલન્સના ઊખઝ સુરેશ કોરીયા અને પાઇલોટ મહેશ કરમટા તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહિલાની ગંભીર સ્થિતિ અને રસ્તામાં અચાનક પીડા વધવાના કારણે ઊખઝ સુરેશ દ્વારા હેડ ઓફિસના ઇમરજન્સી ફિઝિશિયન ડોક્ટરની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. ડિલિવરી દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકને ગળામાં ગર્ભનાળ વીંટાયેલ હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની હતી. જોકે, 108 સ્ટાફની સમયસૂચકતા અને તાત્કાલિક સારવારને કારણે અતિ જોખમી ગણાતી આ ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. માતા અને નવજાત પુત્ર બંનેનો જીવ બચી ગયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીના સગાઓ તેમજ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને કો-ઓર્ડિનેટર યુવરાજ ઝાલાએ 108ની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.



