લોકગાયિકા સાંત્વની ત્રિવેદી અને બહાદુર ગઢવીના સૂરના સથવારે શ્રોતાઓએ સોમનાથના ભવ્ય ઇતિહાસની યાત્રા કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
- Advertisement -
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળો તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે મેળાના ચોથા દિવસે રવિવારની રજા હોવાથી જનમેદની ઉમટી પડી હતી. આજે એક જ દિવસમાં 2.50 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લઈ મેળાની રોનકમાં વધારો કર્યો હતો. મેળામાં સતત વધી રહેલી ભીડને કારણે ચોથા દિવસે પણ દરેક પ્રકારના વેપારમાં તંદુરસ્ત વધારો નોંધાયો હતો. મેળાનું સૌથી મોટું આકર્ષણ ગણાતા રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગઈકાલે સુપ્રસિદ્ધ લોકગાયિકા સાંત્વની ત્રિવેદી અને લોકસાહિત્યના જાણકાર બહાદુરભાઈ ગઢવી એ જમાવટ કરી હતી. કલાકારોએ પોતાના બુલંદ અવાજે સૌરાષ્ટ્ર અને સોમનાથના ગૌરવવંતા ઇતિહાસનું વર્ણન કરવાની સાથે સુમધુર ભજનો, લોકગીતો અને ભક્તિગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આમ, વિવિધ રુચિકર મનોરંજન અને ધાર્મિક મહત્વને કારણે કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 મુલાકાતીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યો છે.
મેળાના મુખ્ય આકર્ષણો
રાજ્યભરમાંથી ઉમટી રહેલા સહેલાણીઓ માટે આ મેળો આનંદનો પર્યાય બની રહ્યો છે, જેના મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે:
ફૂડ માર્કેટ: સેંકડો જાતના સ્વાદિષ્ટ વ્યંજનો પીરસતી ખાણીપીણી બજાર.
કલા પ્રદર્શન: સરકારશ્રીના ઇન્ડેક્સ-સી (ઈંક્ષમયડ્ઢ-ઈ) વિભાગ હસ્તક હસ્તકલા અને લલિત કલાની પ્રદર્શની તથા માર્કેટ.
સરસ મેળો: ગ્રામીણ કલા અને કારીગરીને વેપાર મંચ પૂરું પાડતું આયોજન.
જેલના ભજીયા: જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતા સ્વાદિષ્ટ ભજીયાની સોડમ.
એમ્યુઝમેન્ટ રાઇડ્સ: નાના બાળકો અને યુવાનો માટે 50થી વધુ આધુનિક રાઈડ્સ



