એઈડ્સ નિવારણ કલબ અને વિરાણી સ્કૂલ દ્વારા શહેરમાં જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો
લાઈફ સેન્ટર પરથી 500 લાલ ફુગ્ગાઓથી બનેલી વિશાળ રિબન આકાશમાં તરતી મુકવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસના ભાગરૂપે એઈડ્સ નિવારણ ક્લબ અને વિરાણી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. શહેરમાં એઈડ્સ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આયોજન કરાવામાં આવેલા કાર્યક્રમોની શ્રેણીમાં વિરાણી હાઈસ્કૂલ પરિસરમાં 1000થી વધુ વિદ્યાર્થીએ વિશાળ ‘રેડ રિબન’નું નિર્માણ કર્યું હતુ. આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને એઈડ્સ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. ચેરમેન અરુણ દવે, આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, વિશાલ કમાણી, ચિરાગભાઈ ધામેચા, રાજુભાઈ બામટા અને જે.એન. સરધારાની આગેવાનીમાં સ્ટાફે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે સોમવારે સવારે 9:30 વાગ્યે રેસકોર્સ ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં માનવ સાંકળનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રાજકોટ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વિજ્ઞાન કેન્દ્ર સહિતની સંસ્થાઓ સક્રિય સહભાગી બનશે. સાંજે 5 વાગ્યે રેસકોર્સ રિંગરોડ સ્થિત લાઈફ સેન્ટર પરથી 500 લાલ ફુગ્ગાઓથી બનેલી વિશાળ રિબન આકાશમાં તરતી મુકવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીના સહયોગથી શહેર તેમજ જિલ્લાના તમામ શાળાઓમાં પણ રેડ રિબન બનાવી જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે, જેમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાશે તેવી માહિતી ચેરમેન અરુણ દવે દ્વારા આપવામાં આવી છે. વિશ્વ એઈડ્સ દિવસે વિશાળ જનજાગૃતિ કાર્યક્રમો સાથે સંસ્થાઓ દ્વારા એઈડ્સ પ્રત્યેની સમજણને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



