સેન્ટ્રલ ઝોન વોર્ડ નં 7ના દુકાનદારોએ ગંદકી અને પાર્કિંગનો પ્રશ્ર્ન ઉઠાવ્યો
દુકાનદારોની રજૂઆત બાદ મનપાને તાત્કાલિક કામગીરીની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનમાં આવેલા સર્વેશ્વર ચોક યાજ્ઞિક રોડ વિસ્તારના દુકાનદારો દ્વારા પાર્કિંગ એરિયા પાસે આવેલા ખૂલ્લા અને જોખમી હોકળા અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિત રજૂઆત કરી તાત્કાલિક નવો સ્લેબ ભરવાની માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, તારીખ 15-08-2025ના રોજ બોક્સ કલ્વર્ટ અને પાર્કિંગ રોડનું કામ કોન્ટ્રાકટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાર્કિંગ જગ્યા બાજુમાં હજુ સુધી લગભગ 4 મીટર પહોળો હોકળો ખુલ્લો જ પડ્યો છે, જેના કારણે ગંદકી, કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આ હોકળામાં રોજબરોજ કચરો ફેંકાતો હોવાને કારણે વિસ્તારમાં ગંદકી ફેલાઇ છે, અને પાર્કિંગ એરીયામાં વાહનચાલકોને ગાડી પાર્ક કરવામાં પણ ભારે મુશકેલીનો સામનો કરવો પડે છે. સ્વચ્છતા જળવાય રહે તે માટે દુકાનદારો સફાઈ કરે છે, તેમ છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ થતું નથી. સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 7માં ડેપ્યુટી એક્સક્યુટીવ એન્જિનિયરને રજુઆત કરવામાં આવી છે કે આ ખુલ્લા હોકળા પર તાત્કાલિક નવો સ્લેબ મૂકીને ગંદકીની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવામાં આવે તે જરૂરી છે.



