મહાશિવરાત્રિ મેળા અને ગિરનાર પરિક્રમાના વ્યવસ્થાપન માટે ભવનાથને મળશે મહેસૂલી કંટ્રોલ રૂમ
જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે અને યાત્રિકોને સગવડ ઉભી થશે
- Advertisement -
કાયમી મહેસૂલી કચેરીથી પરિક્રમાના વધતા યાત્રિકોને વર્ષભર સુવિધાનો લાભ મળશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને તીર્થ સ્થળોના વિકાસને હંમેશા અગ્રતા આપવામાં આવી છે, જેના મૂળમાં યાત્રિકોની સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થાપનનું સુદૃઢ સંકલન રહ્યું છે. આ જ ઉપક્રમને આગળ વધારતા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, ભવનાથ વિસ્તારમાં યાત્રિક સુવિધા, વ્યવસ્થાપન અને કટોકટીના સંજોગોમાં ઝડપી પ્રતિસાદના સંકલન માટે મહેસૂલી વિભાગનો કાયમી કંટ્રોલરૂમ બનાવવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસથી જૂનાગઢના વિકાસની શૃંખલામાં એક નવું સોપાન ઉમેરાયું છે અને પ્રવાસન ક્ષેત્રે બહોળી તક પ્રાપ્ત થવાનો માર્ગ મોકળો થયો છે. જૂનાગઢ ખાતે ભવનાથ વિસ્તાર એ માત્ર સ્થાનિકો માટે નહીં, પણ દેશભરના સનાતન ધર્મીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં પ્રતિવર્ષ બે વિશાળ આયોજનો થાય છે: મહાશિવરાત્રી મેળો અને પવિત્ર ગિરનારની પંચકોશી પરિક્રમા. આ બંને આયોજન દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો અને યાત્રિકો ઉમટી પડે છે. ગત વર્ષના મહાશિવરાત્રી મેળામાં અંદાજે 15 થી 17 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, જ્યારે અગાઉની ગિરનાર પરિક્રમા વખતે પણ અંદાજિત 15 લાખ જેટલા યાત્રિકોએ પદયાત્રા કરી હતી. પ્રતિવર્ષ આ બંને આયોજનોમાં યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે, જેના કારણે વહીવટી તંત્ર પર વ્યવસ્થાપનનું ભારણ પણ વધે છે. મેળા અને પરિક્રમાના સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, તબીબી સેવાઓ પૂરી પાડવા, રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરવા તેમજ સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે મહેસૂલી અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની બહોળી સંખ્યામાં ફરજ સોંપવામાં આવે છે.
આ તમામ કર્મચારીઓ અને અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક, એટલે કે સતત ચોવીસ કલાક પોતાની ફરજ પર તૈનાત રહે છે. જોકે, કાયમી કચેરીના અભાવે આટલા મોટા પાયા પરના સંચાલનમાં ઝડપી નિર્ણય લેવામાં અને સંકલન જાળવવામાં પડકારો ઊભા થતા હતા. આ પડકારોને ધ્યાનમાં રાખીને અને અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં ત્વરિત રીતે કાર્યવાહી હાથ ધરી શકાય તે હેતુથી સમગ્ર પરિસ્થિતિનું સુચારૂ રીતે સંચાલન થઈ શકે તે માટે મહેસૂલ વિભાગે કાયમી કંટ્રોલરૂમની જરૂરિયાત અનુભવી હતી. આ કાયમી કંટ્રોલરૂમની સ્થાપના થવાથી અધિકારીઓનું સંકલન, માહિતીનું આદાન-પ્રદાન અને કટોકટીના સમયે નિર્ણય લેવાની ગતિમાં નોંધપાત્ર વધારો થશે. આ નિર્ણયને અમલમાં મૂકવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ મુજબ, ભવનાથ વિસ્તારના બિન નંબરી સ.નં.0 બિન નંબરી/1 ની જમીનમાંથી ચો.મી. 677-00 જગ્યા મહેસૂલ વિભાગનો કંટ્રોલરૂમ બનાવવા માટે ઈયરમાર્ક (ખાસ હેતુ માટે અનામત) કરવામાં આવી છે. આ જમીન ફાળવણી મહેસૂલી વિભાગના અધિકારીઓને પોતાની કામગીરી કાયમી ધોરણે સરળતાથી કરવા માટે પાયાનું માળખું પૂરું પાડશે. જિલ્લા કલેક્ટરે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આ કંટ્રોલરૂમ થવાથી યાત્રિકો માટે સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. સાથે જ, મેળા અને પરિક્રમા દરમિયાનના વ્યવસ્થાપન અને તેના નિયંત્રણમાં સુગમતા આવશે. આ ઉપરાંત, રાઉન્ડ ધ ક્લોક ફરજો બજાવતા અમારા કર્મચારીઓને પણ કામગીરી કરવામાં વિશેષ અનુકૂળતા પ્રાપ્ત થશે. આ પગલું જૂનાગઢને તીર્થ અને પ્રવાસન ક્ષેત્રે નવા આયામો સર કરવામાં મદદ કરશે. વહીવટી તંત્રના આ સકારાત્મક પ્રયાસ થકી, લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા ભવનાથ ખાતેની વ્યવસ્થાપન પ્રણાલી વધુ અસરકારક અને સંગઠિત બનશે. કાયમી માળખાના નિર્માણથી માત્ર મેળા કે પરિક્રમા પૂરતી જ નહીં, પરંતુ વર્ષ દરમિયાન પણ મહેસૂલી વિભાગની કામગીરી અને સંકલનને વેગ મળશે, જે જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ક્ષેત્ર માટે લાંબા ગાળાની સફળતાની ચાવીરૂપ બની રહેશે.



