રામ મંદિર ઘટના પર પાકિસ્તાનની કેવી પ્રતિક્રિયા તેના પોતાના દંભને છતી કરે છે
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજા સ્થાપિત થતાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનું નિવેદન જાહેર કરીને રાજદ્વારી દંભનું પ્રદર્શન કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, જે પાકિસ્તાની વિદેશ મંત્રાલય પોતાના જ દેશમાં હિન્દુઓ સહિતની ધાર્મિક લઘુમતીઓ પર થતા શોષણ, દુષ્કર્મ અને હત્યાઓ જેવી ગંભીર ઘટનાઓ પ્રત્યે હંમેશા અવગણના કરે છે, તેણે એવો પાયાવિહોણો દાવો કર્યો છે કે રામ મંદિરનું નિર્માણ ભારતના લઘુમતીઓ અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો છે.
- Advertisement -
રામ મંદિર પર પાકિસ્તાનનો પાયાવિહોણો આક્ષેપ
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર 25 નવેમ્બરના રોજ પીએમ મોદી દ્વારા ધ્વજા સ્થાપિત કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે ચિંતા અને ગંભીરતા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ બનાવને હિન્દુત્વની વિચારસરણીના પ્રભાવ હેઠળ ભારતમાં મુસ્લિમ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાણી જોઈને નાશ કરવાના પ્રયાસો તરીકે ગણાવ્યો છે, જે ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર દબાણ લાવવાની મોટી પેટર્નનો ભાગ હોવાનો આક્ષેપ કર્યો છે.
- Advertisement -
જોકે, રામ મંદિરનું નિર્માણ ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ થયું છે, તેમ છતાં પાકિસ્તાનના વિદેશ વિભાગે આ નિર્ણયને અવગણીને કહ્યું છે કે, ‘બાબરી મસ્જિદ એક સદી જૂનું ઐતિહાસિક સ્થળ હતું.’ આ ઉપરાંત, પાકિસ્તાને 6 ડિસેમ્બર 1992ની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને વાહિયાત પ્રોપગન્ડા ફેલાવતા આરોપ લગાવ્યો કે, ‘ભારતીય તંત્ર લઘુમતીઓ સાથે ભેદભાવ કરે છે.’
પાકિસ્તાનની બેવડી નીતિ: પોતાના હિન્દુ મંદિરોની દુર્દશા ભૂલી ભારત પર આક્ષેપ
પાકિસ્તાનની સરકાર એક તરફ ભારતમાં હિન્દુત્વની વિચારધારા હેઠળ મુસ્લિમ સાંસ્કૃતિક વારસાને ખતમ કરવાના પ્રયાસોનો આરોપ મૂકે છે, જ્યારે બીજી તરફ, તેના પોતાના દેશમાં હિન્દુઓના ઐતિહાસિક અને પૌરાણિક વારસાઓ ધૂળ ખાઈ રહ્યા છે.
પાકિસ્તાનમાં શારદા પીઠ મંદિર, કરાચીનું 150 વર્ષ જૂનું જાગનાથ મંદિર અને રાવલપિંડીનું 1930માં બનેલું મોહન મંદિર જેવા મહત્ત્વપૂર્ણ હિન્દુ ધાર્મિક સ્થળો લુપ્ત થવાના આરે છે, જેના પર સરકાર અને સ્થાનિક લોકો દ્વારા કબજો જમાવી દેવાયો છે. આ ગંભીર મુદ્દાઓ પર એક પણ શબ્દ ન બોલનારું પાકિસ્તાન, ભારત પર એવા ખોટા આક્ષેપો કરી રહ્યું છે કે અહીં મસ્જિદો પર ખતરો છે અને તેને નષ્ટ કરવામાં આવી રહી છે.
રાજકીય એજન્ડા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દખલગીરીની માંગ
રામ મંદિરના બહાને પાકિસ્તાને રાજકીય એજન્ડા પૂરો કરતા દાવો કર્યો છે કે, ભારતીય મુસલમાનો સાથે સામાજિક, આર્થિક અને રાજકીય ભેદભાવ ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાને બેશર્મીની હદ વટાવતા સંયુક્ત રાષ્ટ્ર(UN)ને વિનંતી કરી છે કે તેઓ ભારતમાં વધી રહેલા કથિત ઇસ્લામોફોબિયા, હેટ સ્પીચ અને નફરત આધારિત હુમલાઓ પર તાત્કાલિક ધ્યાન આપે.
પાકિસ્તાને આ મામલે UN સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ ઘસડ્યા છે. તેણે માંગ કરી છે કે આ સંસ્થાઓ ભારતમાં ઇસ્લામિક વારસાને સુરક્ષિત રાખવામાં તેમની ભૂમિકા ભજવે અને તમામ લઘુમતીઓના ધાર્મિક તેમજ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવા સક્રિય સહયોગ આપે. આ સાથે, પાકિસ્તાને ભારતને મસ્જિદોની સુરક્ષા કરવાની સલાહ પણ આપી છે.




