ચક્કાજામ બાદ શરૂ થયેલી કામગીરી નબળી ગુણવત્તાને કારણે વિલંબમાં: જોખમી નાલું રીપેર ન થતાં લત્તાવાસીઓમાં ભારે નારાજગી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબીના દલવાડી સર્કલ નજીક કેનાલ પર આવેલું નાલું લાંબા સમયથી જોખમી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ન અપાતાં સ્થાનિકોએ એક માસ પૂર્વે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આ આંદોલન બાદ તંત્રએ નાલાના સમારકામની કામગીરી શરૂ કરી હતી, પરંતુ ફરી એકવાર કામ અટકી પડતાં લત્તાવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બે દિવસ પૂર્વે નાલા પર સેન્ટિંગ કામ કરીને માલ નાખવામાં આવ્યો હતો. જોકે, આ સેન્ટિંગ કામ નબળી ગુણવત્તાનું હોવાને કારણે તે તૂટી ગયું છે, જેના પરિણામે કામગીરી ફરીથી અટકાવવામાં આવી છે.
તંત્રએ નાગરિકોના વિરોધ બાદ જવાબદારીનું ભાન થયું હોવા છતાં, હવે નબળી કામગીરીના કારણે ફરી વિલંબ થતાં જોખમી નાલા પરથી પસાર થવું સ્થાનિકો માટે હજુ પણ જોખમી રહ્યું છે.
સ્થાનિકોની માંગ છે કે, તંત્ર વહેલી તકે ગુણવત્તાયુક્ત કામગીરી કરીને આ નાલાનું સમારકામ પૂર્ણ કરે, જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય અને વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે.



