વેરાવળમાં મહિલાના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો: પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
મહિલા પાસેથી સોનાના દાગીના અને મિત્ર પાસેથી 1 લાખ રોકડ લૂંટી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે 12 દિવસ પૂર્વે એટલે કે 11મી નવેમ્બરના રોજ હુડકો સોસાયટીમાં બનેલી મહિલાના શંકાસ્પદ મોતની ઘટનામાં પોલીસે મર્ડરનો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પાડોશી યુવકે જ મહિલાને મોતને ઘાટ ઉતારી હતી અને આ હત્યારો યુવક સિરિયલ કિલર હોવાનું પણ સામે આવ્યું છે.
વેરાવળની હુડકો સોસાયટીમાં આવેલી માનવ રેસિડેન્સીમાં રહેતા ભાવનાબેન ચાંડેગરાનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. મૃતકના ઘરમાં ટેબલ પર ઈન્જેક્શન, હાથ પર સોયના નિશાન, ગાદલામાં લોહીના ડાઘા અને શરીર પરથી સોનાના દાગીના ગાયબ હોવાથી પોલીસે હત્યાની પૂરી શક્યતા સાથે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં મૃતકના ઘરની નજીક જ રહેતો યુવક શ્યામ ચૌહાણ શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસને મોટી કડી ત્યારે મળી જ્યારે શ્યામ ચૌહાણ મહિલાના લૂંટેલા સોનાના દાગીના ગીરવે મૂકવા ગયો હતો.
પોલીસની પૂછપરછમાં શ્યામ ચૌહાણે કબૂલાત કરી હતી કે તેણે ભાવનાબેનનો જીવ લીધો છે. તેણે ભાવનાબેનનો થેલેસેમિયાનો ટેસ્ટ કરાવી આપવાના બહાને તેમનું બ્લડ સેમ્પલ લીધું હતું અને ત્યાર બાદ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
સમાજમાં માનવતા, પવિત્ર મિત્રતા અને વિશ્વાસને તાર-તાર કરતા આ ખૂની ખેલનો ગીર સોમનાથ પોલીસે અંત લાવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આ ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ સિરિયલ કિલરનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર લૂંટ હતો. માનવતાને નેવે મૂકીને તેણે માત્ર થોડા પૈસાની લાલચે આ બંને હત્યાઓને અંજામ આપ્યો હતો.
ચાર માસ પૂર્વે મિત્રની પણ કરી હતી હત્યા: પોલીસની પૂછપરછમાં આ નરાધમે કબૂલ્યું છે કે આ તેની પહેલી હત્યા નહોતી. આજથી ચાર મહિના પહેલા તેણે વિશ્વાસઘાત કરી પોતાના જ એક મિત્રને મોરફીનની ગોળીઓ ખવડાવીને મોતની ઊંઘ સુવડાવીદીધોહતો.



