રેખા પટેલ – ડેલાવર (USA)
સ્પષ્ટ વક્તા ક્ષણિક અપ્રિય, પણ સત્ય છુપાવનાર કાયમી વિશ્ર્વાસ ગુમાવે છે; અંગત વ્યક્તિ સામેનું અસત્ય ખેંચાયેલા રબરબેન્ડ જેવું બમણું દુ:ખ આપે છે
- Advertisement -
માનવીય સંબંધોમાં શબ્દોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. શબ્દો એ માત્ર વાતચીતનું સાધન નથી. પરંતુ તે લાગણીઓનો આકાર પુલ, વિશ્વાસનો આધાર તો ક્યારેક સંબંધોના નાશનું મૂળ કારણ પણ બની શકે છે.
આ જ કારણે, ખુલ્લા મનનો સ્પષ્ટ વક્તા ક્યારેક પ્રિય તો ક્યારેક અસહ્ય પણ લાગે છે. ત્યારે સવાલ થાય છે કે ,સત્ય બોલવું સારું કે સત્ય છુપાવવું સારું?
મારા મત પ્રમાણે વધારે દુ:ખ કોઇ અંગત સત્ય છુપાવે ત્યારે થાય છે.
સત્ય છુપાવવાના કારણો આપતાં લોકો સાચી વાત જણાવીશ તો દુ:ખ થશેઆ વાત એ સમજશે નહીં.. શાંતિ રહે, ક્યાંક સંબંધ ન બગડી જાયવગેરે. વિચારોથી સામે વાળાને સત્યથી વંચિત રાખે છે.
આપણે વિચારીએ છીએ કે સત્ય સાંભળી વ્યક્તિ ઘવાઈ જશે. પરંતુ હકીકતમાં, માણસને સૌથી મોટું દુ:ખ ત્યારે થાય છે, જ્યારે તેને ખબર પડે કે મારા પોતાના લોકોએ મને સત્યથી દૂર રાખ્યો. બીજાને સાચવવા કે છાવરવા માટે કોઈ અંગત સામે અસત્ય બોલવામાં આવે કે સત્યને સંતાડવામાં આવે ત્યારે એ ખેંચેલા રબરબેન્ડ જેવું બમણું દુ:ખ ઉત્પન્ન કરે છે.
- Advertisement -
સ્પષ્ટ વક્તા ક્યારેક અપ્રિય લાગે છે, પરંતુ તે અપ્રિયતા ક્ષણિક છે.
આ કહેવું અથવા સત્ય છુપાવવું શક્ય છે સંબંધોને ક્ષણિક રીતે બચાવી શકે,પરંતુ લાંબા ગાળે વિશ્વાસને નષ્ટ કરી નાખે છે. સત્યની હાજરીમાં જ સંબંધો મજબૂત બને છે. અસત્યનાં છાંયડામાં માત્ર કડવાશ વધે છે.
ઘણા લોકો નકામી અથડામણથી દુર ભાગવા સત્ય છુપાવતા હોય છે. બોલવાની સાથે , સત્ય સહન કરવાની કે સાંભળવાની ક્ષમતા બધા પાસે નથી હોતી. બોલવા જેટલી હિંમત જોઈએ એનાથી વધુ સમજવાની તાકાત પણ હોવી જોઈએ. કારણ બધા સત્ય હલકા નથી હોતા. સ્પષ્ટ વક્તા તે જ નથી કે જે બધું મનમાં આવે તે સીધું કહી નાંખે. બોલતી વખતે ઇરાદામાં શુદ્ધતા, વાણીમાં પારદર્શકતા સાથે સંવેદના જરૂરી છે.
સત્ય બોલનારો કદાચ તરત ન ગમે, પણ છુપાવનાર પકડાઈ ગયા પછી કાયમી વિશ્વાસ ગુમાવી બેસે છે. આથી, બને ત્યાં સુધી જીવનમાં સત્યને પ્રથમ સ્થાન આપવું. પારદર્શક મન પણ શાંત અને સ્વસ્થ રહે છે.
ખુલ્લા મનનો સ્પષ્ટ વક્તા,
ક્યારેક પ્રિય, ક્યારેક અપ્રિય લાગે,
હોય શબ્દોમાં સચ્ચાઈ ત્યારે
ભલે હર્દય માં ચુભે પણ ના તેનો ભાર લાગે.
સત્યને છુપાવતી શબ્દોની મીઠી રંગત,
અંદર સંતાડી જૂઠ ની ચાદર મેલી લાગે.
ભલે તરત ઝલાય નહીં પણ તાર તાર લાગે.
સત્યને કહેવા, સહેવા હિંમત જોઈએ.
રહે પારદર્શક, નિષ્ઠાવાન એ પ્રિય લાગે ,
અથડામણથી ભાગી જવું છે સહેલું,
સત્યનું દીપક હર્દયમાં પ્રકાશ રાખે.
સ્પષ્ટ વાણી ક્ષણિક ચૂભે ભલે,
સત્ય હંમેશા વિશ્વાસનું ઘર બાંધે, સ્નેહ લાગે.
ઘણા લોકો ખોટું બોલીને ક્ષણિક શાંતિ અને બહારની દુનિયામાં મીઠી છબી બનાવવાનું પસંદ કરે છે. તેઓને લાગે છે કે આ રીતે બધુ સાચવાઈ જશે.
અસત્યનું મીઠું ઝૂઠ એ ક્ષણિક શાંતિનો ભ્રમ છે. ખોટું બોલવાથી મળતી માનસિક શાંતિ થોડી મીઠી લાગે છે. પરંતુ આ માત્ર સમસ્યાને ઢાંકવા માટે લગાડાતો સારપનો કલર છે,જે ઉતરી જતાં વધારે બદસૂરત થઈ સત્ય અસત્ય બહાર આવશ, ત્યારે દરેકની છબી અને વિચારો બદલાઈ જશે.
બીજી તરફ, સત્ય બોલનાર માણસ કદાચ તાત્કાલિક પ્રિય નહિ બને, કઠોર લાગે, પરંતુ તે તેના મનને, તેના અંતરને અને સંબંધોને કાયમી સ્થિર અને પ્રેમ ભર્યા રાખે છે.
સત્ય બોલનારના ભાગમાં સહન કરવાનું પણ આવે છે. વાસ્તવિકતા એ છે કે સત્ય બોલવાની સાથે સત્ય સ્વીકારી લેવાની હિમ્મત દરેક પાસે હોતી નથી. કોઈને નુકશાનકારક સત્ય હોય તેનાથી માત્ર તેનું ભલું થવાનું હોય તેવા વિચારથી સત્યને ઢાંકી રાખવું પડે તો આ માફીને યોગ્ય પણ ગણાય.
બાકી લોકપ્રિયતા કે સર્વને સાચવી લેવાના કારણસર એમાંય અંગત વ્યક્તિઓ સામે બોલાતું જૂઠ જ્યારે પણ પકડાઈ જાય ત્યારે સામે વાળાની નજર અને દિલમાંથી ચોક્કસ ઉતરી જવાય છે.
અસત્ય માણસને થોડા સમય માટે લોકપ્રિય બનાવે છે, ક્ષણિક ચાહના આપે છે. જ્યારે સત્ય માણસને લાંબા સમય માટે વિશ્વસનીય બનાવે છે. મનની શાંતિ આપે છે. બાકી એક જૂઠ છાવરવાં સો જૂઠ બોલવા પડે એ સત્ય છે.



