જૂનાગઢ DYSPની પેઈન્ટર અને દુકાનદારો સાથે બેઠક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
તાજેતરમાં પોલીસ લખેલું પાટીયું લગાડી ફરતા બે કારચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતના નિરાકરણ માટે પોલીસે પેઈન્ટર તથા દુકાનદારો સાથે બેઠક કરી કોઈપણ વાહનચાલકને પોલીસ કે અન્ય હોદ્દાના બોર્ડ ન બનાવી દેવા કે ન લગાવી દેવા તાકિદ કરી હતી.
- Advertisement -
થોડા દિવસ પહેલા જેતપુરનો હોટલ સંચાલક કારમાં પોલીસ લખેલું પાટીયું લગાવી ફરતો હતો જ્યારે આજે રાજકોટનો બેરોજગાર યુવાન પોલીસ લખેલું પાટીયું લગાવી ફરતો હતો. જેને પકડી તેની સામે બીએનએસ કલમ 204 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસપીએ નંબર પ્લેટ વગરના, કાળા કાચ ધરાવતા તેમજ પોલીસ અને વિવિધ હોદ્દા કે ઓળખ દર્શાવતા બોર્ડ વાળા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. જેના અનુસંધાને ડીવાયએસપીએ શહેરના પેઈન્ટરો તેમજ અન્ય દુકાનદારોને બોલાવી વાહનમાં પોલીસ કે અન્ય હોદ્દા તેમજ ઓળખ દર્શાવતા બોર્ડ ન લગાવી દેવા કે ન બનાવી દેવા સમજ કરી હતી. આ ઉપરાંત અલગ અલગ નેમપ્લેટ, બ્લેકફિલ્મ, હાઈબીંબ લાઈટની એસેસિરીઝ પણ ન વેંચવા તાકિદ કરી હતી. આગામી સમયમાં આવા વાહનચાલકો સામે કાર્યવાહી થશે. વાહનમાં રાજકીય લોકો, પોલીસ જ સૌથી વધુ પાટીયા લગાવી ફરે છે જે આરટીઓના નિયમની વિરૂધ્ધમાં છે તેમ છતાં બધુ ચાલે છે. પોલીસમાં ન હોવા છતાં બોર્ડ લગાવી ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી થાય છે તો રાજકીય લોકો સામે પણ આ મુજબની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.



