રાજકોટમાં ઘરકંકાસમાં ખૂની ખેલ ખેલાયો
જે છરી માતાને મારવાની હતી તે છરી પુત્રએ ઝુંટવી પિતાને ઝીંકી દીધી
- Advertisement -
કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટરની ઘટના: દારૂ ઢીંચી અવાર-નવાર થતાં ઝઘડા કારણભૂત: માતા-પુત્ર સામે ગુનો નોંધી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂના દૈત્યએ વધુ એક પરિવારનો માળો વીખી નાખ્યો છે શહેરના કોઠારીયા રોડ પર હુડકો ક્વાર્ટરમાં દારૂ ઢીંચી ઝઘડો કરતા પિતાને પુત્રએ માતા સાથે મળી છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે પિતા દારૂ પી ઘરે આવી અવારનવાર ઝઘડો કરતા હોવાથી આ હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે ભક્તિનગર પોલીસે મૃતકના બહેનની ફરિયાદ પરથી ગુનો નોંધી માતા-પુત્રની ધરપકડ કરી છે.
- Advertisement -
રાજકોટના રેલનગરમાં દ્વારકેશ રેસિડેન્સીમાં રહેતા વર્ષાબેન રમેશભાઈ પંડયા ઉ.55એ તેના ભાઈ નરેશભાઈ નટુભાઈ વ્યાસની હત્યા કરવા અંગે ભાભી સ્મિતાબેન નરેશભાઈ વ્યાસ અને ભાણેજ હર્ષ વ્યાસ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પતિ તથા પરિવાર સાથે રહું છું. મારા પતિ રમેશભાઈ જેન્તીલાલ પંડયા જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા તેમાંથી નિવૃત થયેલ છે. મારે સંતાનમાં એક દિકરો જય છે.
અમે બે બહેનો અને એક ભાઈ છીએ. છે નાના ભાઈ નરેશભાઇ નટવરભાઇ વ્યાસ હતા. જે તેના પરિવાર એટલે કે મારા ભાભી સ્મીતાબેન તથા તેમના બે દિકરાઓ હર્ષ તથા પાર્થ સાથે કોઠારીયા રોડ ઉપર હુડકો કવાર્ટરમાં રહેતા હતા. ગત રાત્રીના 12:42 વાગ્યે મારા દિકરા જયના મોબાઇલ નંબર ઉપર કોઇ પોલીસ સ્ટેશનથી ફોન આવેલ અને વાત કરેલ કે તમારા ભાઇનું ઘરે ખૂન થઇ ગયેલ છે. તમે તાત્કાલીક આવો જેથી હું તથા મારા નણંદ ઉષાબેન ઠાકર તથા મારો દિકરો જય તથા મારા પતિ એમ બધા મારા ભાઈ નરેશભાઈના ઘરે ગયા હતા ત્યાં પહોંચતા મારા ભાઇ નરેશભાઈ ઘરમાં નીચે લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા તેને શરીરે છાતીના ભાગે તથા ડાબા હાથમાં ઇજા હતી મારા મોટાભાઈ નરેશભાઈના દિકરા અને મારા ભત્રીજા પાર્થએ મને વાત કરેલ કે, ગઇકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના મારા મમ્મીને મારા પપ્પા મારવા ગયેલ અને ઝઘડો કરતા હતા પિતા છરી લઈને માતાને મારવા જતા હતા
જેથી મારા ભાઇ હર્ષએ છરી લઇ મારી દીધી હતી. આમ મને જાણવા મળેલ છે કે મારા ભાભી સ્મીતાબેન તથા ભત્રીજા હર્ષ બંનેએ મળી મારા ભાઇ નરેશભાઈને છરી મારી દિધેલ છે અને તેમનું મોત નીપજ્યું હતું બનાવને પગલે ભક્તિનગર પીઆઇ એમ એમ સરવૈયા, પીએસઆઈ ગોહિલ, રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને હત્યાનો ગુનો નોંધી માતા-પુત્રને સકંજામાં લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી મૃતક નરેશભાઈ હોલસેલમાં પગના મોજા વેચવાનો ધંધો કરતા હતા. નરેશભાઈને દારૂ પીવાની ટેવ હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા. આ ઘર કંકાશથી ગઈકાલે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.



