રાજકોટના વોર્ડ નં. 15ના હજારો નાગરિકોની વ્યથા: 15 વર્ષથી માર્ગ વ્યવસ્થાના અભાવે અકસ્માતોનો ભય
હુડકોથી આજી ડેમ ચોકડી સુધી કાયમી ટ્રાફિકજામની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન
રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણ વચ્ચે સર્વિસ રોડની દયનીય હાલત : કલેક્ટરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના વોર્ડ નંબર 15માં આવતા અનેક ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને રહેણાક વિસ્તારોમાં છેલ્લા 15 વર્ષથી માર્ગ વ્યવસ્થાનો અભાવ નાગરિકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આજીડેમ ચોકડીથી કોઠારીયા (હુડકો) ચોકડી વચ્ચે આવેલા કે.પી. ઇન્ડસ્ટ્રી ઝોન, રામનાથ ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મારુતિ, કિસાન, ધારા, સહજાનંદ, પરમધામ, ઓમ ઉદ્યોગનગર સહિતના અનેક વિસ્તારો તેમજ હરિઓમ પાર્ક, મુકેશ પાર્ક, રાધાકૃષ્ણ સોસાયટી જેવા રહેણાક વિસ્તારો માટે કોઈ સુચારૂ અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થાની માગ ઉઠી રહી છે. નાગરિકોના કહેવા મુજબ કાયમી સર્વિસ રોડની હાલત અત્યંત નબળી છે અને હાઈવે પર ખાડાઓને કારણે રોજબરોજ અકસ્માતો બને છે.
ખોખળદળ નદીના પુલ પર સવાર-સાંજ 2 થી 3 કિ.મી. સુધી ટ્રાફિકજામ સામાન્ય બની ચૂક્યું છે. બાળકોને શાળા મૂકવા-લેવા સહિત દૈનિક અવરજવર માટે લોકોને ફરજિયાત ઉંધી દિશામાં વાહન ચલાવવું પડે છે, જે જીવલેણ સાબિત થાય છે. સ્થાનિકોમાં ગુસ્સો એ વાતથી પણ વધ્યો છે કે સ્માર્ટ સિટી હેઠળ વેરો વસૂલવામાં આવે છે, છતાં 15 વર્ષથી મૂળભૂત માર્ગ સુવિધા મળી નથી.
હાલ નિર્માણ થતા રાષ્ટ્રીય ધોરી માર્ગના કારણે પરિસ્થિતિ વધુ દયનીય બની છે અને હુડકો ચોકડીથી આજીડેમ સુધી નાગરિકોને અત્યંત જોખમી સ્થિતિમાં મુસાફરી કરવી પડે છે.
અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી પ્રત્યક્ષ પગલાં લેતો ન હોવાથી વિસ્તારોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે તેઓ સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય ડાઈવર્ઝન, સુરક્ષિત સર્વિસ રોડ તથા કાયમી માર્ગવ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લે અને વોર્ડ 15ના હજારો નાગરિકોને 15 વર્ષની પીડાથી રાહત અપાવે.



