શરદી-ઉધરસનાં 1048 અને તાવનાં 856 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક; મચ્છરની ઉત્પત્તિ બદલ 75 આસામીઓ પાસેથી રૂ.58,000 વહીવટી ચાર્જ વસૂલાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના કેસોમાં સતત વધારો થતાં રોગચાળો વકરી રહ્યો છે. સાથે જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો પણ યથાવત રહ્યો છે. મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં ચોપડે ગત સપ્તાહે કુલ 1,704 કેસ નોંધાયા હતા, તેની સામે ચાલુ સપ્તાહે આ આંકડો વધીને 2,100 નોંધાયો છે. મનપાના આંકડા મુજબ, ગત સપ્તાહે શરદી-ઉધરસનાં 1,048 કેસ, સામાન્ય તાવનાં 856 કેસ અને ઝાડા-ઉલટીનાં 182 કેસ નોંધાયા હતા. જોખમી રોગોમાં ડેંગ્યુનાં 5 કેસ અને કમળાનાં પણ 5 કેસ સામે આવ્યા હતા. નોંધનીય છે કે આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં જ છે, ખાનગી ક્લિનિકના આંકડાઓ ધ્યાને લેતા કુલ દર્દીઓનો આંકડો 9,500 કરતાં વધુ હોવાની શક્યતા છે.
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી અને પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી ઝડપી કરાઈ છે. બેદરકારી રાખનારાઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહમાં મચ્છરની ઉત્પત્તિ માટે જવાબદાર 75 આસામીઓ પાસેથી ₹58,000 કરતા વધુ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.



