વાડીમાં વાવેલો 71.32 લાખનો ગાંજો જપ્ત કરતી ગ્રામ્ય એસઓજી
ખાસ-ખબર ન્યૂઝ જસદણ
જસદણના રાણીંગપર ગામની સીમમાં આવેલા ખેતરમાં ગાંજાનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હોવાની ગ્રામ્ય એસઓજીને મળેલી સચોટ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી 71.32 લાખના ગાંજાનું વાવેતર કરનાર વાડી માલિકની ધરપકડ કરી ભાડલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો પોલીસે 142 કિલો ગાંજાના છોડ કબ્જે કરી કેટલા સમયથી ગાંજાની ખેતી કરતો અને માલ કોને સપ્લાય કરતો તે સહિતના મુદ્દાઓ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થનું વેચાણ તથા વાવેતર કરનાર શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.એમ. ચાવડા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાને બાતમી મળી હતી કે જસદણ તાલુકાના રાણીંગપર ગામની સીમમાં રાયધન સોમાણીએ પોતાની વાડીમાં મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યું છે બાતમી આધારે એસઓજીની ટીમે રાણીંગપર ગામની સીમમાં દરોડો પાડતા અહીંથી ગાંજાના લીલાં છોડનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે વાડીમાંથી ગાંજાના 142 કિલો લીલા છોડ જેની કિંમત રૂપિયા 71.32 લાખ થતી હોય તે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું પોલીસે ગાંજાના જથ્થા સાથે આ જ ગામમાં રહેતા વાડી માલિક રાયધન રત્નાભાઇ સોમાણી ઉ.43ને ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 71.37 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાડલા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી વધુ કાર્યવાહી અર્થે ભાડલા પોલીસને તપાસ સોંપી છે.



