સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન: અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, ચાહે જો તું તો આ ગુનો આખ્ખો કરી શકાય
– રમેશ પારેખ
- Advertisement -
આર્ટિકલ તો આમ લખતા હોઈએ પણ ઘણીવાર કઈક અલગ લખવાની મજા પણ આવે તો આ વખતે શિયાળાની મોસમમાં મજા કરાવે તેવો એક પીસ ઓફ ફિક્શન.
શું તને લાગે છે કે આપણે હજારો વર્ષો સુધી જીવીશું ? રિઅલી યુ થિન્ક સો ? જીવન નિશ્ચિત નથી. ગમે ત્યારે તે છીનવાઈ શકે છે, તો પછી વાહિયાત બાબતોમાં તેને શા માટે વેડફવું? તને ભાન છે ને કે એક દિવસ આપણે બંને એક મુઠ્ઠી રાખમાં ફેરવાઈ જવાના ? અને જાણવું અને ભાન હોવું એ બંને અલગ બાબત છે. મારી વહાલી ! કોઈપણ સર્જનના ઉદ્ભવ અને અંતનો વ્યાપ નજીવો હોય છે. એક ટીપું વીર્ય અને બે મુઠી રાખ અને એ બે બિંદુઓ વચ્ચે વિરાટ જીવન નૃત્ય કરીને ફરી એ બે બિંદુઓની સીમામાં જ સમાઈ જાય છે, બ્રહ્માંડના સર્જન અને વિનાશની જેમ જ. એ વીર્યના સફેદ રંગ અને રાખનાં કાળા રંગની વચ્ચે અચાનક આપણે બેય ક્યાંક ચમકી જઈએ છીએ. પ્રકાશની સંપૂર્ણ હાજરી દર્શાવતો શ્વેત અને સાવ ગેરહાજરી દર્શાવતો શ્યામ આ બેય વચ્ચે રહેલું આખું મેઘધનુષ્ય આપણું છે. પણ મને સમજાતું નથી કે તું શા માટે એ મેઘધનુષ્યને બદલે બેરંગ, બંજર રણ પસંદ કરે છે. આપણી આસપાસ શું હોય એ આપણા વશમાં નથી પણ આપણા દિલમાં રણને બદલે સુંદર વન તો આપણે ખીલવી શકીએ ને કે જેની પાસે મધુર ઝરણું ખળખળ વહેતુ હોય!
હું તને ફરીવાર પૂછું છું કે તને ખરેખર ખબર છે કે એક દિવસ તું કે હું બંનેમાંથી કોઈપણ જીવતું નહિ હોય ? સોરી ફોર બીઈંગ હાર્શલી એન્ડ નેગેટિવલી રીઅલ ! પણ હું તને એ જતાવવા માંગુ છું કે જીવન કેટલું અમૂલ્ય છે. આપણી ઉંમરમાં વર્ષો ઉમેરવા એ જીવન નથી. એ વર્ષો, મહિનાઓ, સપ્તાહો, દિવસો અને કલાકોને ચીરીને અનાયાસે જીવન જન્મી જતું હોય છે. અને એ જીવન પોતાની નિશાની જેવી યાદો છોડી જાય છે – કડવી, મીઠી તીખી, ઘૃણાજનક અને આનંદદાયક, હું તારી , સાથે એવી જ યાદો બનાવવા માંગુ છું. મને હમેશા મૃત્યુ અને પ્રેમ એક બીજાની નજીક જ લાગ્યા છે.
મૃત્યુ માણસને વિલીન કરી દે છે. પ્રેમમાં પણ માણસ પોતાની જાતને ઓગાળી દે છે. ને ખબર છે મીઠડી, માણસ જીવનમાં શું ઈચ્છતો હોય છે? એ હોય છે સંતોષ, સંતૃપ્તિ નો અહેસાસ; બધું પૂર્ણ હોવાની અનુભૂતિ; કે જેના પછી માણસને લાગે કે હવે કંઈપણ ખાવા, પીવા, માણવા કે ભોગવવા માટે રહ્યું નથી. એ ઓડકાર એ જ મોક્ષ છે. ઘણા સમય પછી જયારે મેં તારી સાથે વાત કરી ત્યાર પછી મને પણ અંદરથી એ જ લાગણી અનુભવાઈ. હવે ભગવાન પોતાની પાસે બોલાવી લે તો પણ વાંધો નહિ ! નાનું બાળક હોય કે વૃદ્ધ, અમીર-ગરીબ, સ્ત્રી કે પુરુષ જાણે અજાણે આ જ અનુભૂતિ માટે જીવતા હોય છે. માણસ જયારે પણ ખોવાઈ જાય છે; કોઈ જગ્યાએ, કોઈ કામમાં, કોઈ વ્યક્તિમાં, વાતાવરણમાં; એ ખોવાઈ જવામાં જ તેની સાર્થકતા રહેલી છે. એ ઓતપ્રોત થઈને જીવવું એ જ આનંદ છે. હું પણ તારી આંખોમાં એવી જ રીતે ખોવાઈ જઉ છું. કોણ જાણે કેમ મને પણ તારી આખોમાં મારા માટે એ જ લાગણી કે જે મને તારા માટે છે દેખાય છે. જોકે સાચું તો તને ખબર હોય. એવું પણ બને કે મને તારી આંખોમાં મને મારી લાગણીઓનું જ પ્રતિબિંબ દેખાતું હોય.
- Advertisement -
લગ્ન તો દુનિયા માટે છે. આપણા બંનેની વચ્ચે શું છે એ હું તારી આંખમાં અને તું મારી આંખમાં જોઈ શકે છે. એ જ આપણા માટે ધ્રુવ સત્ય છે. પરાણે કોઈની સાથે રહેવામાં કે કોઈને મારી સાથે રાખવામાં હું માનતો નથી. સેક્સ ? હા એ જીવનની જરૂરિયાત ગણી શકાય પણ એ સૌથી મહત્વની બાબત તો નથી જ. હું ઝંખું છું એ સામીપ્ય, તારું મારી સાથે રહેવું. સૌથી સારી જગ્યાએ ફરવામાં અને સૌથી વધુ ગમતા કામ કરવામાં માત્ર તારો સાથ મને ખપે. દુનિયા સંબંધમાં સલામતી માટે પૂછતી હોય છે. લગ્ન માટે એવું પૂછાય કે તે તને ખુશ રાખી શકશે કે નહિ ? મને એ ખબર નથી કે મારી સાથે રહીને તું સુખી થઈશ કે દુ:ખી. હું તને સુખી રાખવાનું વચન આપી શકું તેમ નથી પણ હું તને તારા દુ:ખમાં ભાગીદાર થવાનું વચન ચોક્કસ આપી શકું છું. એકલા એકલા સુખી થવાનું દુ:ખ તને પસંદ છે કે ભેગા મળીને દુ:ખી થવાનું સુખ ?
ધ ચોઈસ ઇઝ કંપ્લીટલી યોર્સ
– સિદ્ધાર્થ રાઠોડ
પૂર્ણાહુતિ:
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે
– મરીઝ
(શીર્ષક પંક્તિ: સુન્દરમ)



