કાર્તિક મહેતા
10 નવેમ્બર 2025, સાંજના સાતેક વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા નજીક એક આઇ 20 ઊભી રહી.થોડી પળોમાં એમાં એક ભયાનક વિસ્ફોટ થયો જેણે લગભગ તેર લોકોના જીવ લીધા અને વીસેક લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા.
- Advertisement -
આ દિવસે જ ગુજરાત એ ટી એસ અને હરિયાણા તથા કાશ્મીર પુલિસે એક મોટું આતંકવાદી ષડ્યંત્ર પકડી પાડ્યું હતું. 2900 કિલો જેટલો વિસ્ફોટક અને ભારે ધાતુઓ સાથે એકે 47 જેવા હથિયારો પકડવામાં આવ્યા.પણ આ બધું કોની પાસેથી પકડાયું ??! આ ષડ્યંત્ર રચનારા બધા “ડોકટર” હતા, શિક્ષિત દીક્ષિત ડોક્ટર્સ !! એક ડોકટર તેલંગાણા થી પકડાયો જે રાયસીન નામનું અત્યંત ઘાતક ઝેર પાણીમાં મેળવીને લાખો લોકોને એકસાથે મારવાનું પ્લાનિંગ કરતો હતો…..
આ બધા ડોકટર અંદરખાને કટ્ટર જેહાદી વિચારધારા ધરાવતા હતા અને ભારતમાં અમુક ભયાનક ઘટનાઓને આકાર આપવાની નેમ ધરાવતા હતા. દિલ્હીનો બોમ્બ બ્લાસ્ટ પણ આવો જેહાદી આતંકવાદી પ્લાન હતો એવી શંકાઓ સેવાઈ રહી છે… (આ લખાય છે ત્યાં સુધી લગભગ આ વાત સાબિત થવામાં છે)
અત્યાર સુધી જે જેહાદી આતંકવાદને ભારતે સહન કર્યો તેનો પરચો હવે આખા જગતને મળી રહ્યો છે. યુરોપ અને અમેરિકામાં પણ આતંકી હુમલાઓ વધતા ચાલ્યા છે.
- Advertisement -
પરંતુ, અહીંયા બહુ નોંધપાત્ર દેશો ચીન અને રશિયા છે જ્યા જેહાદી આતંકવાદ પાંગરી શક્યો નથી. ઇઝરાયેલ જેવો ખૂંખાર દેશ પણ જ્યારે આતંકવાદ સામે સતત ઝઝૂમે છે ત્યારે રશિયા જેવો મોટો પથારાછાપ દેશ કેમ આ આતંકવાદથી મુક્ત છે એ પ્રશ્ન સહેજે થાય.
વાત એમ છે કે રશિયા પણ જેહાદી આતંકવાદની પીડા વેઠી ચૂકેલો દેશ છે એ વાતની બહુ ઓછાં લોકોને જાણ હશે. ચેચેન્યા અને દાઘેસ્તાન નામનાં બે રમણીય સ્વર્ગ સમાન પ્રદેશો રશિયાના દક્ષિણમાં આવેલા છે. બેય પ્રદેશ કાસ્પિયન સમુદ્ર તરીકે ઓળખાતા વિશ્વના સહુથી મોટા સરોવર ને કિનારે વસેલા છે. ચેચેન્યાં અને દાઘેસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશ છે એટલે સ્વાભાવીક રીતે તેઓ રશિયાના આધિપત્ય સામે ઊભા થયા છે, એમને રશિયા સાથે રહેવું મંજૂર નથી કેમકે રશિયા ચુસ્ત ખ્રિસ્તી દેશ છે.
ચેચેન્યામાં રશિયા વિરૂદ્ધ ઉગ્રવાદી મૂવમેન્ટ ચલાવતા અનેક સંગઠન હતા(અમુક આજે પણ છે) જેઓ પોતાના ધર્મને નામે રશિયાની સામે છાપામાર યુદ્ધ જાહેર કરીને બેઠા છે. જે ખરેખર યુદ્ધ નથી પણ નીચ પ્રકારની ગુંડાગીરી છે.
પહેલી સપ્ટેમ્બર, 2004 ને દિવસે ચેચેન્યા પ્રદેશની પાસે આવેલા ઉતર ઓસેટિયા પ્રાંતના નાના એવા શહેર બેસ્લાન ની શાળામાં ખુશહાલ માહોલ હતો. નવા સત્રનો પ્રારંભ હતો એટલે શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહમાં હતા. એ દુર્ભાગીઓ ને જાણ નહોતી કે એમની ઉપર થોડી પળોમાં શું વિતવાનું હતું…
થોડી વાર થઈ ત્યાં લગભગ 32 સશસ્ત્ર જેહાદી આતંકવાદીઓ ભરેલો એક ટ્રક શાળાના પ્રાંગણમાં ઊભો રહ્યો. જેમાં ચારેક આરબ મુસ્લિમ, 14 ચેચેન મુસ્લિમ, થોડા ઇંગુઈશ જાતિના મુસ્લિમ અને બાકી પાંચ થી છ મહિલાઓ શામેલ હતી જે પોતાના પતિના રશિયન સૈનિકોએ કરેલ વધનો પ્રતિશોધ લેવા આવી હતી (એટલે એને બ્લેક વિડોઝ કહેવાતી).
આ લોકોએ શાળામાં ઘૂસીને ફાયરિંગ શરૂ કર્યું. આથી હતપ્રભ વિદ્યાર્થીઓ અને સ્ટાફ શરણે થઈ ગયા. આતંકીઓ આ બધા લોકોને એક મોટા હોલમાં લઇ ગયા. હજારેક લોકોને એક જ ખંડમાં તેઓ લગભગ ત્રણેક દિવસ રાખવાના હતા જ્યા એમને પાણી માટે સ્વમૂત્ર પીવા વિવશ કરવાના હતા. (આવા નીચ ઉપર દયા હોય?? )
હવે આ બધાને બંધક બનાવીને આતંકીઓએ પોતાની નીચ માગણીઓ મૂકી કે રશિયા ચેચેન્યાને સ્વતંત્ર કરે અને ત્યાંથી પોતાના સૈનિકો હટાવી લે, ત્યાંની જેલમાં બંધ ચેચેક્ષ આતંકવાદીઓને મુક્ત કરે વગેરે….પોતાની ધાક બેસાડવા આતંકીઓએ ત્રણેક સ્ત્રી પુરુષોને બાળકોની સામે ગોળીઓથી વીંધી નાખ્યાં !!
આટલું ઓછું હોય એમ આ નીચ આતંકીઓએ બંધક બાળકો અને શાળાના સ્ટાફને પાણી કે શૌચ માટે પણ ટળવળતા રાખ્યા.
પુતિને આતંકવાદ વિરોધી કાયદામાં મોટા ફેરફાર કરીને આ કાયદાને ગાળિયા જેવો ટાઇટ બનાવ્યો
બીજી સપ્ટેમ્બરનો દિવસ ઉગતામાં તો બાળકો ભૂખ તરસને લીધે બેભાન થવા લાગ્યા પણ આ નીચ પ્રકારના આતંકીઓના પેટનું પાણી હાલતું નહોતું.બાળકો અને શિક્ષકો તરસ બુઝાવવા પોતાનું મૂત્ર પીવા વિવશ થયા !! શાળામાં એમણે આઇ ઇ ડી પ્રકારના બોમ્બ લગાડ્યા હતા. બાળકોની બાજુમાં સુરંગો મૂકવામાં આવી જેથી બાળકો મૂવમેન્ટ કરી શકે નહિ.. બાળકોના શરીર ઉપર વાયરો ખેંચવામાં આવ્યા જેથી તેઓ હલી ચલી શકે નહિ. બાળકોની આડશ રાખીને આતંકીઓ છુપાતા હતા જેથી રશિયન સ્નાઇપર એમને વીંધી શકે નહિ.
આવી ખતરનાક અવસ્થામાં ત્રીજી સપ્ટેમ્બરનો દિવસ ઊગ્યો. બાળકો તરા ભૂખ અને ગરમીથી બેભાન થઇ રહ્યા હતા.. પેશાબ અને શૌચની બદબુથી આખો હોલ ગંધાતો હતો.
શાળા બહાર રશિયન સ્પેશિયલ ટાસ્ક ફોર્સના સૈનિકો તૈનાત હતા..
લગભગ દોઢેક વાગ્યે કોઈ અકળ કારણોસર એક ધડાકો થયો.. અને નાસભાગ મચી. આતંકીઓ અકળાઈને અંધાધુધ ગોળીબાર કરવા લાગ્યા.. થોડી વારમાં બીજો વિસ્ફોટ થયો.સ્કૂલ જીમના હોલની છત બેસવા લાગી જેની નીચે અનેક બાળકો ચગદાયા.. અનેક બાળકો અને શાળાના કર્મચારીઓ આતંકીઓની ગોળીઓથી વિંધાયા.
રશિયન સુરક્ષા દળોએ પણ પ્રતિકાર કર્યો અને એકને બાદ કરતા તમામ આતંકીઓને ફૂંકી માર્યા. એક નીચ જીવતો પકડાયો. ત્રણસો લોકોના મૃત્યુ થયા.જેમાંથી 186 બાળકો હતા … સાત્સોથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા..
આ બનાવે આખા રશિયા સમેત વિશ્વને હચમચાવી નાખ્યું. ત્યાં પણ કેન્ડલ માર્ચ થઈ.. લોકોની સંવેદનાઓ બહેરી થઈ ગઈ..પણ આ રશિયા હતું. મૂર્તિપૂજક સમ્રાટ સ્વિયાતોસ્લાવ નું રશિયા.. સ્વિયાતોસલાવ નો દીકરો પરમ પ્રતાપી વ્લાદિમીર થયો હતો જેને કારણે રશિયા ખ્રિસ્તી બન્યું પણ આ વલાડીમિર ને કારણે રશિયામાં વ્લાદિમીર નામ બહુ પ્રચલિત બન્યું..
રશિયાના પ્રમુખ પણ વ્લાદિમીર (પુતિન) હતા. પૂતિને એક આબાદ કીમિયો શોધી કાઢ્યો જેણે ચેચેન્યાના જેહાદી આતંકવાદને જડમુળ સમેત ઉખાડી નાખ્યો..
પુતિને આતંકવાદ વિરોધી કાયદામાં મોટા ફેરફાર કરીને આ કાયદાને ગાળિયા જેવો ટાઇટ બનાવ્યો. પુતિને કાયદામાં એવી કલમો ઉમેરી કે આતંકવાદી તરીકે જાહેર થયેલ વ્યકિતના કુટુંબ, મિત્રો અને સગા વ્હાલા તમામની મિલકતો ટાંચમાં લેવામાં આવે. એમની પાસેથી ત્રાસવાદી એ કરેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે. (યોગી આદિત્યનાથ યાદ આવ્યાં??)
આતંકીના પરિવાર ,મિત્ર અને સગા વહાલા તો ઠીક પણ એને મદદ કરતા પકડાયેલા લોકો અને એને લાગતાં વળગતા લોકોને પણ આવી રીતે “ક્લચમાં” લેવામાં આવ્યા..
પરિણામ ????
પરિણામ એ જ કે જે અપેક્ષિત હતું. જેહાદી આતંકીઓના ગાત્રો પુતિનના કડક કાયદા સામે ગળી ગયા. 2013 માં આ કાયદો કડક થયા બાદ આતંકી ઘટનાઓ ઘટતી ઘટતી શૂન્ય થઇ ગઇ અને એમાં થતી જાનહાનિ પણ….
મુંબઈમાં દાઉદ , યાકુબ જેવા નીચ ગુંડાઓનો ત્રાસ ચરમ ઉપર હતો ત્યારે રાકેશ મારિયા નામનાં બાહોશ પુલિસ અધિકારીએ પણ આ સ્ટ્રેટેજી અપનાવીને આ લોકોના સાગરીતોને કોર્ટમાં પ્રસ્તુત કરેલા.
હણે એને હણવામાં પાપ નથી એવું શ્રીકૃષ્ણ પણ કહે છે અને નીચ સામે સભ્યતાથી કામ લેવું તે મૂર્ખતા છે તે પણ સમયે આપણને શીખવાડ્યું છે.
આતંકવાદ સામે રશિયન મોડેલ લાગુ પડે તે સમયની માંગ છે. કેમકે હવે મોડું કરવું પોસાય એમ નથી..



