વાહનની ટક્કર વાગ્યા બાદ ટાયર વૃદ્ધના માથા પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું
અમદાવાદના ખોખરા-કાંકરીયા રોડ પર શુક્રવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. ન્યૂ ગ્રીન માર્કેટ પાસે એક અજાણ્યા વાહને 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધા હતા. વાહનની ટક્કર વાગ્યા બાદ ટાયર વૃદ્ધના માથા પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
- Advertisement -
મૃતકની ઓળખ રમણભાઈ દયાભાઈ પરમાર (ઉંમર 70) તરીકે થઈ છે, જેઓ ખોખરામાં કે.કે. શાસ્ત્રી કોલેજની સામે આવેલી હિંમતલાલ બાપાલાલ પરમારની ચાલીના રહેવાસી હતા. રમણભાઈ ન્યૂ ગ્રીન માર્કેટમાં નાઈટ શિફ્ટ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ દુઃખદ ઘટના 14 નવેમ્બરના રોજ વહેલી સવારે 3.12 વાગ્યા પહેલા બની હતી, જ્યારે રમણભાઈ ચા પીવા માટે બહાર નીકળ્યા હતા.ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રસ્તા પર પટકાયા હતા. આ દરમિયાન વાહનનું વ્હીલ તેમના માથા પરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
આ ઘટના અંગે ખોખરા પોલીસે FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને અકસ્માત સર્જનાર વાહનની ઓળખ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ સ્કેન કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, વાહન ચાલકને શોધવા અને ઘટનાનો ચોક્કસ ક્રમ જાણવા માટે પ્રયાસો ચાલુ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




