‘લગ્ન કરવા છે’ કહી સગીરાનો હાથ પકડવાનો હતો આરોપ; ચાર્જશીટ રજૂ થાય તે પહેલા જ કોર્ટે જામીન અરજી મંજૂર કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિછીયા તાલુકાના પીપરડી ગામના ટીંબલપર વિસ્તારમાં સગીરાની છેડતી કરવાના એક કેસમાં આરોપી અલ્પેશભાઈ રાજેશભાઈ તાવીયાને રાજકોટની સ્પેશ્યલ પોક્સો કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ભોગ બનનારના પિતાએ ગત તારીખ 03/10/2025 ના રોજ વિછીયા પોલીસ સ્ટેશનમાં પોતાની 17 વર્ષ 11 માસ 5 દિવસની સગીર પુત્રીને આરોપીએ રસ્તામાં ’તારી સાથે લગ્ન કરવા છે’ તેમ કહીને હાથ પકડી હેરાન પરેશાન કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બી.એન.એસ.ની કલમ 75(1)(શ), 75(1)(શશ) તથા પોક્સો એક્ટની કલમ 7 અને 8 મુજબ નોંધી વિછીયા પોલીસે તા. 04/10/2025 ના રોજ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને તે જ દિવસથી રાજકોટના સ્પેશ્યલ પોક્સો જજ સમક્ષ રજૂ કરાતા ન્યાયિક હીરાસતમાં મોકલવામાં આવ્યો હતો. આરોપી વતી રોકાયેલા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ અને વિરલ એ. ચૌહાણ દ્વારા કરવામાં આવેલી કાયદાકીય રજૂઆતો તેમજ વડી અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં લઈ, રાજકોટ સ્પેશ્યલ પોક્સો કોર્ટે આ કામના આરોપીને ચાર્જશીટ રજૂ થાય તે પહેલા જ જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે.



