પાઇપ-કુહાડીના ઘા ઝીકી પગ કાપી નાખ્યા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો
પત્ની સાથે ઝઘડો થયા બાદ દોઢ મહિનાથી ઘરે આવ્યા ન હતા : પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લાના વડીયાના અરજણસુખ ગામ પાસે બહેનને હેરાન કરતા બનેવીની પાંચ સાળા સહિતે કુહાડાના ઘા ઝીંકી, બંને પગ કાપી નાખી હત્યા નીપજાવી નાખતા ચકચાર મચી જવા પામી છે ગોંડલ રહેતા 60 વર્ષીય વૃદ્ધને સંબંધીના ઘરે સમાધાન માટે બોલાવી કારમાં આવેલા 8 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહીં દમ તોડી દેતા પોલીસે પાંચ સાળા સહિત 8 સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ગોંડલના વિજયનગરમાં રહેતા દિનેશભાઈ વનાભાઈ સોલંકી ઉ.60 ગત સાંજે અરજણસુખ ગામના પાટીયા પાસે ભરતભાઈ જીણાભાઈ રાઠોડના ઘરે હતા.
ત્યારે સામેવાળા તેના સાળા ચલાલા રહેતા કાનો મેરામ સાવરીયા, ગારિયાધાર રહેતા હકુ મેરામ સાવરીયા, ભેસાણનાં બાઘો મેરામ સાવરીયા, શાપરના જદુ મેરામ સાવરીયા, રાજકોટના નાનું મેરામ સાવરીયા અને 3 અજાણ્યા માણસોએ ઝઘડો કરી કુહાડી અને લોખંડના પાઇપથી હુમલો કરી બંને પગ કાપી નાખ્યા હતા. પગ કોથળામાં ભરી દિનેશભાઇને પ્રથમ અમરેલી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહીં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂ, એ. જી. મકવાણા, યુવરાજસિંહ પરમાર, રાઈટર ધર્મેન્દ્રભાઈ હુદળ, રવિભાઈ, પ્રતાપભાઈ સહિતના સ્ટાફે વડીયા પોલીસને જાણ કરતા વડીયા પોલીસનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાયું હતું પોલીસે અરજણસુખ ગામના પાટીયા પાસે રહેતા ભરતભાઈના પત્ની મનિષાબેનની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.
પોલીસ દ્વારા મૃતકના પરિવારની પૂછતાછમાં એવું જાણવા મળ્યું હતું કે દિનેશભાઇને સંતાનમાં 3 દીકરા અને 2 દીકરી છે તે 6 ભાઈ અને 3 બહેનમાં ત્રીજા નંબરના હતા. ગોંડલમાં પગીપણું કરતા હતા દોઢ મહિના પહેલા દિનેશભાઇએ તેમના પત્ની રતનબેન સાથે ઝઘડો કરી માર માર્યો હતો સંતાનોએ વચ્ચે પડી માતાને બચાવ્યા હતા ત્યારથી દિનેશભાઇ ઘરે આવતા નહોતા. જેથી રતનબેને પોતાના ભાઈઓને વાત કરી હતી જેથી સાળા કાનાભાઈએ દિનેશભાઇનો સંપર્ક કર્યો હતો અને સમાધાન કરવા બોલાવ્યા હતા. દિનેશભાઇએ પોતાની કૌટુંબિક ભત્રીજી મનિષાના ઘરે અરજણસુખ ગામે ભેગા થવાનું કહ્યું હતું જેથી રતનબેન પોતાના પુત્રો સાથે ગોંડલથી અરજણસુખ ગામે જતા હતા તે ત્યાં પહોંચે તે પૂર્વે આ જીવલેણ હુમલો થયો હતો અને રસ્તામાં જ આ બનાવની ખબર પડી હતી ફરિયાદી મનિષાબેને જણાવ્યું કે, દિનેશભાઇ મારાં કૌટુંબિક કાકા થાય છે પણ મારાં પતિ ભરતભાઈના કૌટુંબિક બનેવી પણ છે આમ સગા થતા હોવાથી અમારા ઘરે સમાધાન બેઠક રાખી હતી. સૌથી પહેલા દિનેશભાઇ આવ્યા હતા ત્યાર પછી તુરંત જ કાનો સાવરીયા, હકુ સાવરીયા, બાઘો મેરામ, જદુ મેરામ, નાનું મેરામ અને બીજા 3 અજાણ્યા શખ્સ ઘરે આવ્યા હતા અને આવતાની સાથે જ આ લોકોએ ઝઘડો કરી પાઇપ અને કુહાડાના ઘા માર્યા હતા અને હુમલો કરી નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



