ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર માર્કેટિંગ યાર્ડ(APMC)ખાતે વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે, છતાં રાજ્યમાં લગભગ 60 લાખ ટન જેટલી મગફળીના ઉત્પાદનની શક્યતા છે. અત્યાર સુધીમાં આશરે 9 લાખ જેટલા ખેડૂત ભાઈઓએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ઉદાર નિર્ણય લઈ લગભગ 20 લાખ ટન જેટલી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ પ્રતિ મણ રૂ. 1452 જેટલો ઉચ્ચ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની પાછળ મજબૂતપણે ઊભી છે અને કુલ ₹15,000 કરોડથી વધુના ખર્ચે મગફળી ઉપરાંત મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવશે. જે કાર્યક્રમમાં પોરબંદર માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ, સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂતો તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



