મહિલાની માનસિક સ્થિતિ કથળતાં ઘરેથી નીકળી વેરાવળ પહોંચી
જિલ્લાના ભાષા અધ્યક્ષ અને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓની મદદથી મહિલાનું પરિવાર સાથે મિલન થયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ શહેરના રાજેન્દ્ર ભવન રોડ પર સખી વન સ્ટોપ સેન્ટર હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત્ર નીચે કાયદાકીય, તબીબી, પોલીસ, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ, હંગામી ધોરણે આશ્રય સહિતની સહાય આપવામાં આવે છે. આ સેન્ટર દ્વારા ગુમ થયેલી ઉત્તર પ્રદેશની એક મહિલાનું કાઉન્સિલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી સોનલબેન રાઠોડે જણાવ્યું હતું કે, તા.16 ઓક્ટોબરના રાત્રીના 12:30 કલાકે મહિલા હેલ્પલાઇન 181 અભયમની ટીમ દ્વારા અજાણી મહિલાને આશ્રય સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગયાં હતા.
આ સેન્ટરમાં જ્યારે આ બહેન આવ્યાં ત્યારે માત્ર તેઓ બનારસના વતની છે, એટલી જ માહિતી જણાવતા હતાં. તેમના પરિવાર સગા, સબંધી, સંપર્ક નંબર, તેમની કોઈ જ પ્રકારની માહિતી મળતી નહોતી અને મહિલાની મનોદશા પણ માહિતી આપી શકે તેવી પરિસ્થિતિમાં નહોતી. આથી તેમને આશ્રય સહાયની સાથે જરૂરિયાતની તમામ પ્રકારની મદદ અને સુવિધાઓ આપવામાં આવી હતી.
આશ્રિત મહિલાને આરામ માટે પૂર્ણ સમય આપી ત્યારબાદ તેમનુ મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરી તેમની પાસેથી તેમના રહેઠાણની માહિતી મેળવવા પ્રયત્ન કરતા મહિલાએ તેઓનું ગામ ફિરોઝાબાદ અને બશખારી વિશે કહેતા ઉત્તર પ્રદેશના આંબેડકરનગર, અયોધ્યા જોહનપુર, ઝાંસી, ફૈઝાબાદ, ફિરોઝાબાદ સખી વન સ્ટોપ સેન્ટર તેમજ બડગાવ ઝાંસીના તાલુકાઓ, મહિલા પોલીસ સ્ટેશન, ફિરોઝાબાદના સોહવાલ બ્લોક પોલીસ સ્ટેશન એમ અનેક જગ્યાએ આશ્રિત મહિલાની માહિતી અંગે તપાસ ટેલિફોનીક સંપર્ક કરી તેમજ વીડિયો કોલ માધ્યમથી આશ્રિત મહિલા સાથે વાતચીત કરાવી પરંતુ તેમના પરિવાર વિશે માહિતી મળી નહીં.તેમણે વધુમાં જણાવ્યું કે, ગીરસોમનાથ જિલ્લાના અન્ય ભાષા સમિતિના અધ્યક્ષ સાથે આશ્રિત મહિલાની ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ તેમની સ્થાનિક ભાષામાં તેમની સાથે વાતચીત દ્વારા તેમના આજુબાજુના ગામની જાણકારી મેળવી હતી. આથી ભાષા અધ્યક્ષે સ્થાનિક આગેવાનો સાથે સંપર્ક કરતા જાણવા મળ્યું કે, આશ્રિત મહિલાના પરિવારમાં તેમના પતિનું અને મોટા દીકરાનું અવસાન થયું હતું. આથી મહિલા માનસિક સ્થિતિ ક્યારેક સારી ન રહે તો તે ઘરેથી નીકળી જાય છે. ઉત્તર પ્રદેશના આ મહિલા છેલ્લા એક વર્ષથી ઘરેથી નીકળી ગયાં હતાં.
- Advertisement -
આશ્રિત મહિલાના દિકરા ચંદનભાઈ તેની માતાને લેવા માટે ગીર સોમનાથ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતાં. ત્યારબાદ આશ્રિત મહિલા સાથે માતા પુત્રની મુલાકાત કરાવવામાં આવી હતી. આશ્રિત મહિલા તેમના દીકરા સાથે ફરીથી ઉત્તર પ્રદેશના જ્હોનપૂર જિલ્લાના કેરાકટના સહાબદુદિનપુર વતન જવા માટે સહમત થઇ હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મુકેશ વારસૂરના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ તેમજ ગીર સોમનાથના ભાષા અધ્યક્ષની પૂર્ણ પ્રયાસ દ્વારા માતા પુત્રનું મિલન થયું અને પરિવારમાં પુન: સ્થાપન કરવામાં સફળતા મળી હતી.



