ગીર ગંગાના જળ સંચયના કાર્યને રાષ્ટ્રીય સ્તરે માન્યતા: આ ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીના મોડેલથી જળસંચયનું વિરાટ અભિયાન ચાલી રહ્યું છે
દિલીપ સખિયા ગામડાઓમાં તળાવો, ચેકડેમો, સરોવરોને રિપેર કરવા, ઊંડા કરવાનુ કામ કરી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જળસંચય માટેના 1,11,111 સ્ટ્રકચર તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાના જળસંચય જનભાગીદારી ક્ષેત્રે ઉદાહરણરૂપ અને સમર્પિત કાર્યની પ્રશંસા સાથે આગામી તા. 18મી નવેમ્બરે દિલ્હી મુકામે યોજાનાર એક સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના હસ્તે તેમને ‘જળસંચય જનભાગીદારી 10 એવોર્ડ’ એનાયત કરવામાં આવશે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાને પાઠવવામાં આવેલા એક પત્રમાં આ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકારવા માટે તેમને દિલ્હી આવવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા દિલીપભાઈને ભારતને પાણીથી સુરક્ષિત કરતા અભૂતપૂર્વ કાર્ય માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ સખિયા અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંરક્ષણ માટે છેલ્લા ઘણા સમયથી સક્રિય છે, જેને કારણે તેમને ‘વોટરમેન ઓફ ઈન્ડિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીના મોડેલથી જળસંચયનું વિરાટ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ સૌરાષ્ટ્રના ગામડાઓમાં આવેલા તળાવો, ચેકડેમો અને સરોવરોને રિપેર કરવા, ઊંડા કરવા અને નવા બનાવવાનું કામ કરી રહ્યા છે, જેથી વરસતા પાણીનો સંગ્રહ થઈ શકે અને ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવી શકાય. આ જળસંચય અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રિચાર્જ બોરવેલ સિસ્ટમ્સ સહિત 8350થી વધુ જળ સ્ટ્રકચરો કાર્યાન્વિત થઈ ચૂક્યા છે. દિલીપભાઈ સખિયાના માર્ગદર્શન હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સંસ્થા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી વર્ષના ભાગરૂપે 151 ચેકડેમો -તળાવો બનાવવાનો પણ સંકલ્પ લેવાયો છે.
- Advertisement -
દિલીપભાઈ સખિયાના વડપણ તળે ચાલતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના 7 જિલ્લાઓ, 35 તાલુકાઓનાં 582 ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં કુલ 8354 ચેકડેમો, તળાવો તથા કુવા-બોર રિચાર્જના કામો કરવામાં આવ્યા છે, જેનો 755 લાખ લોકોને સીધો ફાયદો થયો છે. જેમાં 151 લાખ નાના અને સીમાંત ખેડૂતોનો સમાવેશ થાય છે. જળસંચયની આ ઝુંબેશના પરિણામે ભૂગર્ભ જળનું સ્તર પુન:સ્થાપિત થયું છે અને 4.29 લાખ એકર ખેતીની જમીનમાં સિંચાઈ ક્ષમતામાં સુધારો થયો છે.



