ભારતે ડિજિટલ નવીનતા અને નાણાકીય સમાવેશને જોડીને લાખો નાગરિકોને સશક્ત બનાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.5
કતારના દોહામાં યોજાયેલા સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનના પ્રથમ દિવસે ભારતના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભારતના સર્વગ્રાહી વિકાસના મોડલ પર પ્રકાશ પાડ્યો હતો. 180થી વધુ દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા ઉચ્ચ-સ્તરીય રાઉન્ડ ટેબલ સંમેલનમાં તેમણે જણાવ્યું કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક પ્રગતિને સામાજિક વિકાસ સાથે જોડીને સર્વાંગી વૃદ્ધિનું નવું માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. ડો. માંડવિયાએ જણાવ્યું કે 2016-17 થી 2023-24 દરમિયાન દેશમાં 170 મિલિયનથી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે, મહિલાઓની રોજગાર ભાગીદારી બમણી થઈ છે અને બેરોજગારીનો દર 6 ટકા પરથી ઘટીને 3.2 ટકા થયો છે. તેમણે ઉમેર્યું કે શ્રમ કાયદાઓને ચાર સરળ અને પારદર્શક સંહિતામાં એકીકૃત કરવામાં આવ્યા છે, જેનાથી મજૂરોને વધુ ન્યાયસંગત અને સુવ્યવસ્થિત હકો મળ્યા છે.
- Advertisement -
તેમણે ખાસ ભાર આપ્યો કે ભારતની ડિજિટલ માળખાગત વ્યવસ્થા એ 1.4 અબજથી વધુ નાગરિકોને કલ્યાણકારી યોજનાઓના લાભો સીધા પહોંચાડ્યા છે. ડિજિટલ ઈન્ડિયા મિશન, આધાર આધારિત લાભ વિતરણ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમના કારણે સામાજિક સુરક્ષા કવરેજ 2015માં 19% થી વધીને 2025માં 64.3% થયું છે, તેમણે જણાવ્યું. ડો. માંડવિયાએ મોરેશિયસના શ્રમ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકમાં કૌશલ્ય વિકાસ, શ્રમ ગતિશીલતા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સહયોગ વધારવાની ચર્ચા કરી.
તેમણે જણાવ્યું કે ભારતના નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ અને ઇ-શ્રમ ડેટાબેઝે અસંગઠિત ક્ષેત્રના કરોડો કામદારોને ઓળખ આપીને નવી તકો આપી છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ઞગઊજઈઅઙ) સાથેની મુલાકાત દરમિયાન પણ ભારતે આપત્તિ વ્યવસ્થાપન, કૌશલ્ય ધોરણો અને ડિજિટલ કલ્યાણ વિતરણમાં સહકાર વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ઊજઈઅઙએ ભારતના ડિજિટલ ગવર્નન્સ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રના સુધારાઓની પ્રશંસા કરી.
ડો. માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે 250 મિલિયન નાગરિકોને બહુપરીમાણીય ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિ ડિજિટલ સુધારાઓ, સીધી સહાય વિતરણ અને સામાજિક ક્ષેત્રના રોકાણોના પરિણામે શક્ય બની છે. તેમણે અંતે ઉમેર્યું કે ભારતે બતાવ્યું છે કે ઝડપી અને સમાવેશી વિકાસ જ સાચું સામાજિક પરિવર્તન લાવી શકે છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ આપણે આ વારસો આગળ લઈ જઈ રહ્યા છીએ – જ્યાં આર્થિક પ્રગતિ અને સામાજિક વિકાસ હાથમાં હાથ ધરી આગળ વધે છે. દોહામાં ભારતની હાજરીએ વૈશ્વિક મંચ પર સામાજિક સુરક્ષા, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ સમાવિષ્ટતાના ક્ષેત્રોમાં ભારતના નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે.



