શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ સભ્યો, ધારાસભ્યો, સંતો મહંતો અને શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો.
પૂર્વ મુખ્યમંત્રી એ પાંચ વર્ષના તેમના કાર્યકાળમાં દરમ્યાન ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનવવા કરેલી કામગીરીને સૌએ બિરદાવી.
- Advertisement -
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થી નેતાથી મુખ્યમંત્રી સુધીની સફરમાં રાજકોટના યોગદાનને વાગોળ્યું.
રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન રાજકોટના શ્રેષ્ઠિજનો દ્વારા કરવામાં આવ્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના લોકોનો પ્રેમ અને લાગણીભર્યો ઋણ સ્વીકારી જણાવ્યું હતું કે, રાજકોટે મારુ ઘડતર કર્યું છે. અરવિંદભાઈ મણિયાર, ચીમનભાઈ શુક્લ, વજુભાઈ વાળા સહિતના લોકોએ રાજકીય કારકિર્દીમાં મારુ ઘડતર કર્યું છે. મેં ક્યારેય સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે હું સી.એમ. બનીશ. સંગઠનમાં કામગીરી કરી પાર્ટી સોંપે તે કાર્ય પ્રામાણિકતાથી કર્યું છે. પાર્ટીએ સામેથી આદેશ આપી મને મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપી હતી. પાર્ટીનો આદેશ સર્વોપરી હોવાનું ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે તેમ વિજયભાઈ એ જણાવ્યું હતું.
- Advertisement -

મુખ્યમંત્રી તરીકે સૌરાષ્ટ્રના પીવાના પાણીની સમસ્યાથી લઈ અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાકાર કરવામાં મહત્વનું યોગદાન તેમના કાર્યકાલ દરમ્યાન રહ્યાનું તેમજ ટેક્નોલોજીના ઉપયોગથી તમામ વિભાગમાં આધુનિકતા સાથે લોકોના કામ સરળતાથી થાય તે માટે કામગીરી કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આ તકે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ પદ પરથી ઉતરી જાય ત્યારબાદ આટલું મોટું સન્માન થાય તે આ પ્રથમ ઘટના છે. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી નહોતા તે પૂર્વે પણ તેઓ સેવાભાવના સાથે જોડાયેલા હતાં તેમ વજુભાઈ એ પૂજિત રૂપાણી ટ્રસ્ટનો દાખલો આપતા જણાવ્યું હતું. વિજયભાઈ ભવિષ્યમાં પણ પાર્ટી માટે સદેવ કાર્યરત રહેશે તેમ શુભેચ્છા આપી હતી.
શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ વિજયભાઈ રૂપાણી સાથે પાર્ટીમાં કરેલ કામગીરીને વાગોળી જણાવ્યું હતું કે, તેમના અનુભવો, તેમની સંગઠન શક્તિ અને નિષ્ઠા હંમેશા પ્રેરણાદાયી રહેશે. પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેમના અનુભવોનો લાભ સૌને મળતો રહેશે અને હાલના મુખ્યમંત્રી ની નિશ્રામાં રાજ્ય સરકાર ખુબ સારી રીતે કામગીરી કરશે તેવો તેમણે ભરોશો આપ્યો હતો.

સ્વામી પરમાત્માનંદજી, સ્વામી અપૂર્વમુનિ, 108 વ્રજરાજકુમારજી સહિતના સંતો મહંતોએ વિજયભાઈ રૂપાણી વધુને વધુ સેવા કાર્યો કરતા રહે તેવા આશીર્વચન અને શુભેછા પાઠવી હતી.
રાજકોટને એઇમ્સ, એરપોર્ટ સહિતના અનેક મહત્વના પ્રોજેક્ટ અપાવવા બદલ રાજકોટ વાસીઓએ તેમનો આભાર માન્યો હતો.

આ તકે સાંસદ સભ્યો સર્વે મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, ધારાસભ્યો સર્વે ગોવિંદભાઈ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર પ્રદીપભાઈ ડવ, અગ્રણીઓ સર્વે ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, ભુપતભાઇ બોદર, ગુણુભાઈ ડેલાવાળા સહીત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ દોશી અને આભારવિધિ ડી.વી.મહેતાએ કરી હતી.



