ડમ્પર કપચીથી ભરેલું હતું, લોકો એની નીચે આવી ગયા: મૃતકોમાં મોટા ભાગના કોલેજના વિદ્યાર્થીઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સોમવારે સવારે તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં હૈદરાબાદ-બીજાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કપચી ભરેલી એક ડમ્પર તેલંગાણા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TRTC)ની બસ સાથે અથડાયું હતું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ અકસ્માતમાં બસમાં સવારમાંથી 19 લોકોનાં મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બસ તંદૂરથી હૈદરાબાદ જઈ રહી હતી. બસમાં 70થી વધુ મુસાફરો હતા, જેમાંથી મોટા ભાગના કોલેજના વિદ્યાર્થીઓ હતા. તેઓ રવિવારની રજા માટે ઘરે ગયા હતા અને કોલેજમાં હાજરી આપવા માટે હૈદરાબાદ પાછા ફરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ચેવેલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનપુર ગેટ પાસે રોંગ સાઈડમાંથી આવી રહેલું ડમ્પર સાથે બસ અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસને ભારે નુકસાન થયું હતું અને ડમ્પર ભરેલી કપચી બસની અંદર રહેલા મુસાફરો પર પડી હતી.
- Advertisement -
બસ સ્ટાફે અંદાજે 15 લોકોને બચાવ્યા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. કપચી નીચે દટાયેલા લોકોને બચાવવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ રાજસ્થાનના ફલોદીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પંદર યાત્રાળુનાં મોત થયાં હતાં અને બે મહિલા ઘાયલ થઈ હતી. મૃતકોમાં એક જ પરિવારના 7 લોકો સામેલ હતા. ફલોદીના બાપિની સબડિવિઝનમાં માટોડા ખાતે ભારતમાલા એક્સપ્રેસ વે પર ઓવરટેક કરતી વખતે એક ટેમ્પો રસ્તાની સાઈડમાં ઊભેલા ટ્રેલરમાં ઘૂસી ગયો હતો. મૃતકોમાં ચાર બાળકો, ડ્રાઈવર અને 10 મહિલાનો સમાવેશ થાય છે. સોમવારે સવારે મૃતદેહો પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.



