દેવદિવાળી પર્વે શહેરભરના મંદિરોમાં ભાવિકો ઉમટ્યા, ડીજેના તાલે વરઘોડો, રંગોલી અને પ્રસાદ વિતરણથી છવાયો આનંદમય માહોલ
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
દેવદિવાળી અને તુલસી વિવાહ પર્વની પ્રસન્ન અવસર પર ભાવનગર શહેરના મસ્તરામ મંદિર તેમજ મઢુલી ગ્રુપ નિર્ભય સોસાયટી ખાતે તુલસી વિવાહનો રૂડો લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભાવિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને તુલસી વિવાહના પાવન દર્શનનો લાભ લીધો હતો.
સૌરાષ્ટ્રભરમાં દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહના આયોજનથી લગ્નસરાની સીઝનની શરૂઆત થઈ છે. તુલસી વિવાહ પ્રસંગે ઘરો તથા મંદિરોમાં ધૂપ, દીપ, નૈવેદ્ય અને આરતી સાથે પૂજન કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાએ તુલસીક્યારાની આસપાસ શેરડીના સાંઠા મુકીને પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરમાં શેરડીનો જથ્થો પણ વધ્યો હતો.મસ્તરામ મંદિર તેમજ નિર્ભય સોસાયટી ખાતે ડીજેના તાલે તુલસી વિવાહનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં યુવકો-યુવતીઓએ આનંદભેર ગરબા-નૃત્ય કરીને ઉત્સવને ચમકાવ્યો હતો. બાદમાં તુલસીના રૂડા લગ્નોત્સવ વિધિવત્ રીતે ઉજવાયો હતો અને પ્રસાદ વિતરણનું પણ ભવ્ય આયોજન કરાયું હતું.
દેવદિવાળીના પાવન દિવસે શહેરના મોટાભાગના મંદિરોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ લોકો ભગવાનના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહી રહ્યા હતા. તુલસી વિવાહમાં ભાગ લેવા અને ભગવાનના વિવાહ દર્શનનો લાભ લેવા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.



