ઈન્દ્રનિલ રાજયગુરુ, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી અને વશરામભાઈ સાગઠીયા દ્વારા આક્ષેપ કરાયો
નવા મંત્રીમંડળમાં શહેરનો એકપણ ધારાસભ્ય ભાજપને લાયક ન લાગ્યો : કોંગ્રેસ નેતાઓનો પ્રહાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના પુન:ગઠનમાં રાજકોટ શહેરના કોઈપણ ધારાસભ્યને સ્થાન ન મળતાં શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજયગુરુ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયાએ સંયુક્ત નિવેદન કરીને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે રાજકોટના ત્રણેય ધારાસભ્યોને ભાજપે લાયક ગણ્યા નથી અને ચોથા જે કેબિનેટ પ્રધાન હતા તેમને પણ અયોગ્ય ઠેરવ્યા. એક સમયે જ્યાંથી આખા દેશનું ભાજપ ચાલતું હતું, તે રાજકોટ આજે ભ્રષ્ટાચાર અને તાનાશાહીનું પ્રતિક બની ગયું છે.
નવા મંત્રીમંડળમાં રાજકોટના ધારાસભ્યોને સ્થાન ન મળતાં શહેર પ્રતિનિધિત્વ વિહોણું બની ગયું છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે, શું રાજકોટના ધારાસભ્યો લાયક નથી કે ભાજપનું શિર્ષ નેતૃત્વ શહેરને અવગણતું થયું છે? તેમણે વધુમાં કહ્યું કે શહેરના ટ્રાફિકના પ્રશ્નો, દર ચોમાસે ઉભરાતી ગટરો, ભ્રષ્ટાચાર, દારૂ-જુગારનો ખુલ્લો ધંધો, નશીલા પદાર્થનું વેચાણ, જીવલેણ હુમલાઓ, આરોગ્ય વિભાગની અવ્યવસ્થા જેવી સમસ્યાઓ સામે ભાજપના કોઈ પ્રતિનિધી બોલતા કે કામ કરતા નથી. કોંગ્રેસનો દાવો છે કે ભાજપના શિર્ષ નેતૃત્વે સ્પષ્ટ સંદેશ આપ્યો છે રાજકોટના ધારાસભ્યો લાયક નથી. આ નિવેદનથી સ્થાનિક સંગઠનમાં અસંતોષ વધુ ઊંડો થઈ શકે છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે રાજકોટે કેશુભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા, ચિમનભાઈ શાપરિયા જેવા લોકપ્રિય નેતાઓ આપ્યા છે. આજે એ નૈતિકતા અને લોકોના પ્રશ્નો માટે લડનાર નેતૃત્વ રાજકોટ ભાજપમાંથી ખતમ થઈ ગયું છે. જેને ભાજપે જાકારો આપ્યો હતો તેને હવે જનતા જાકારો આપશે એમ ઈન્દ્રનિલ રાજયગુરુએ ચેતવણી આપી છે. રાજકોટની લોકભાવનાઓને ઠેસ પહોંચાડતા આ નિર્ણયના કારણે આવનારી ચૂંટણીમાં ભાજપ સામે આ મુદ્દો મોટો એજન્ડા બની શકે છે. હાલમાં ભાજપના વર્તુળોમાં ખુશી કે ગમ એવો માહોલ છે, પરંતુ રાજકીય રીતે રાજકોટના મજબૂત પ્રતિનિધિત્વના અભાવથી શહેરના વિકાસ પર ચોક્કસ અસર થશે.