ભારતીય રમતો માટે સીમાચિહ્નરૂપ વિકાસમાં, ગુજરાતમાં અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે ભલામણ કરવામાં આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી, જે એક ઐતિહાસિક ક્ષણને ચિહ્નિત કરે છે કારણ કે આ ગેમ્સ કોમનવેલ્થ સ્પોર્ટ મૂવમેન્ટની શતાબ્દી ઉજવણી સાથે એકરુપ હશે.
અમદાવાદને વર્ષ 2030ના શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે તે લગભગ નક્કી થઈ ગયું છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે જ ગેમ્સની જનરલ એસેમ્બલીને 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે. હાલના તબક્કે અમદાવાદ એકમાત્ર એવું શહેર છે કે, જેની ભલામણ કરવામાં આવી છે. હવે જનરલ એસેમ્બલીની મિટિંગમાં 26મી નવેમ્બરે અમદાવાદના નામ પર મંજૂરની મહોર મારવાની ઔપચારિકતા જ બાકી રહી ગઈ છે.
- Advertisement -
ભારતની સાથે 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની રેસમાં નાઈજીરિયાની રાજધાની અબુજા પણ હતુ. જોકે, કોમનવેલ્થ સ્પોર્ટ્સે આફ્રિકન દેશને 2034 સહિતની ભાવિ ગેમ્સનું આયોજન સોંપવા માટેના દાવેદાર તરીકે સમર્થન અને વેગ આપવાની સાથે વિકસાવવાનો વ્યુહ અપનાવ્યો હતો. આ કારણે હાલની સ્થિતિમાં ગેમ્સના આયોજન માટેનું દાવેદાર એકમાત્ર અમદાવાદ જ છે. નોંધપાત્ર છે કે, કોમનવેલ્થ ગેમ્સ 1930માં શરુ થયો હતો અને તેની શતાબ્દી 2030માં પુરી થઈ રહી છે.
કોમનવેલ્થ સ્પોર્ટ્સે એક યાદીમાં જણાવ્યું છે કે, 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સના પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે અમારું એક્ઝિક્યુટીવ બોર્ડ અમદાવાદના નામની ભલામણ કરવાનું નક્કી કર્યું છે. હવે અમદાવાદનું નામ હવે પૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ્સ મેમ્બરશીપ માટે આગળ ધપાવવામાં આવશે. જ્યારે આ અંગેનો અંતિમ નિર્ણય તારીખ 26મી નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. નોંધપાત્ર છે કે, ભારતમાં 2010માં પણ કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન થઈ ચૂક્યું છે. ત્યારે આ ગેમ્સ નવી દિલ્હીમાં આયોજીત થઈ હતી.
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ હશે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પી.ટી. ઉષાએ જણાવ્યું કે અમદાવાદમાં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ ભવિષ્ય માટે ગેમ્સ હશે: ટકાઉપણું, સમાવેશીતા અને નવીનતા પર આધારિત. તદુપરાંત, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેને ગુજરાત અને ભારત માટે ખરેખર ગૌરવની ક્ષણ ગણાવી હતી અને ભલામણને સુરક્ષિત કરવામાં વડા પ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરી હતી.