રાજકોટના કિશાનપરા ચોક પાસે પરિવારનું ગુજરાન ચલાવવા બાળક લારી લઇ નીકળી પડે છે
રાજકોટના કિશાનપરા ચોક પાસે આવેલા અમ્રપાલી અન્ડરબ્રિજમાંથી પસાર થતો આ નાનકડો બાળક પોતાની ઉમરથી ઘણી મોટી જવાબદારીના ભાર નીચે દટાયેલો છે. હાથમાં ન રમકડાં છે, ન મિત્રો સાથે રમવાનો સમય પરંતુ એક લારી છે, દિવાળીની સુશોભન સામગ્રી, રંગ, કોડિયા, અને ઘરોને ઝળહળતા બનાવવા માટેની ચીજવસ્તુઓથી ભરેલી. શહેર તહેવારની રોશનીમાં ડૂબી રહ્યું છે, દરેક ખૂણે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ બાળક પોતાના પરિવારનો ગુજરાન ચલાવવા લારી લઇ ચીજવસ્તુનુ વેચાણ કરવા માટે મજબૂર છે. તેના પગમાં ચપ્પલ પણ અડધી તૂટેલી છે, પરસેવામાં તરબતર ચહેરા પર થાક તો છે જ, પણ સાથે એક અદમ્ય ઈચ્છા પણ જીવનને આગળ ધપાવવાની. તેની નજર લારીની ચીજવસ્તુઓ પર નહીં, પણ કદાચ એ દિવસ પર હશે જ્યાં એને પણ તહેવારનો આનંદ માણવાનો મોકો મળશે. દિવાળીનો આ તહેવાર પ્રકાશ, સમૃદ્ધિ અને આશાનો સંદેશ આપે છે, પરંતુ આ તસવીર એ સવાલ ઉભો કરે છે કે શું આ ઉજાસ સૌ સુધી પહોંચે છે? આ દૃશ્ય માત્ર એક બાળકનું નહીં, પરંતુ સમગ્ર સમાજનું પ્રતિબિબ કે દર્પણ છે જ્યાં એક તરફ ચમકતા મોલ્સ, લાઇટિંગ અને શોપિંગ ફેસ્ટિવલ છે, અને બીજી તરફ રસ્તા પર સંઘર્ષ કરતા નાનકડા બાળકનો છે. પ્રકાશનો સાચો અર્થ ત્યારે જ પૂર્ણ થશે, જ્યારે દરેક બાળકને શિક્ષણ, આરામ અને નિરભય બાળપણનો અધિકાર મળશે.